તળાવ સુધારણા:દેશલસરમાંથી 6 લાખ MLD પાણી બહાર ખેંચતું મશીન કામે લાગ્યું

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત વોટર રિસોર્સિસ ડેવલોપમેન્ટ કોર્પોરેશને 2 હેવી ડિવોટર સેટ ફાળવ્યા
  • નગરપતિઅે​​​​​​​ વિધાનસભા અધ્યક્ષાની મદદથી અોછા દરે ભાડે મેળવ્યા : વનસ્પતિ દૂર કરાઇ

ભુજ શહેરના ભીડ નાકા બહાર રાજાશાહીના વખતના દેશલસર તળાવમાંથી અનિચ્છનીય વનસ્પતિ વિના ખર્ચ બહાર કાઢવામાં સફળતા મેળવ્યા બાદ હવે તળાવમાંથી ગટરના ગંદા પાણી બહાર ખેંચી કાઢવા ભુજ નગરપાલિકાએ ગુજરાત વોટર રિસોર્સિસ ડેવલોપમેન્ટ કોર્પોરેશન પાસેથી 2 હેવી ડિવોટર સેટ મશીનરી નજીવા દરે મેળવી લીધી છે. જે એક મશીન 13 કલાકમાં 62 લાખ 40 હજાર લિટર પાણી બહાર કાઢશે, જેથી 15 દિવસમાં દેશલસર તળાવ ગંદા પાણી વિહોણું થઈ જાય એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.

ભુજ નગરપાલિકાએ ચેન્નઈની બિનસરકારી સંસ્થાની મદદથી વિનામૂલ્યે દેશલસર તળાવમાંથી અનિચ્છનીય વનસ્પતિ જળકુંભી ઉખેડી ફેંકવામાં સફળતા મેળવી લીધી છે. હવે તળાવના બ્યુટીફિકેશનની કામગીરી આગળ વધારવા માટે ગુજરાત વોટર રિસોર્સિસ ડેવલોપમેન્ટ કોર્પોરેશન પાસેથી 2 હેવી ડિવોટર સેટ મશીનરી નજીવા દરે ભાડે મેળવ્યા છે.

જે બાબતે નગરપતિ ઘનશ્યામ આર. ઠક્કરે જણાવ્યું હતું કે, જી. ડબ્લ્યુ. આર. ડી. સી. ચોમાસામાં ભરાયેલા પાણી કાઢવા માટે સિંચાઈ ખાતાને મશીન આપતી હોય છે અને બાકીના સમયમાં અન્ય કોઈને જોઈતું હોય તો ભાડે આપે છે.

નગરપાલિકાને પણ 33 લાખ રૂપિયે ભાડે આપવા મંજુરી આપી હતી. પરંતુ, ભુજ મત વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્ય પાસે રજુઆત કરતા તેમણે બેઠક યોજી હતી અને માત્ર 8 લાખ રૂપિયામાં ભાડે આપવા સહમતી સધાઈ છે.

બે મશીન 1.42 કરોડ લિટર પાણી ઉલેચી લેશે
એક મશીન 1 મિનિટમાં 8થી 9 હજાર લિટર પાણી ખેંચીને બહાર ફેંકી દેશે. એક મશીન 13 કલાક કામ કરશે. બંને મશીન મળીને 13 કલાકમાં 1 કરોડ 24 લાખ 80 હજાર લિટર પાણી ખેંચી બહાર ફેંકી દેશે, જેથી 15 દિવસમાં તળાવ ખાલી થઈ જાય એવી શક્યતા છે.

તળાવમાંથી કચરો કાઢવા બે દિવસ લાગ્યા
​​​​​​​મશીનરી માત્ર પાણી ખેંચે છે. વચ્ચે કચરો આવી જાય તો કામગીરી ઠપ્પ થઈ જતી હોય છે, જેથી સતત બે દિવસ સુધી તળાવમાંથી કચરો કાઢવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...