ઓલ ઈન્ડિયા મજલીસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીનના રાષ્ટ્રીય અધ્યક્ષે ભુજ શહેરમાં અલ્પસંખ્યકોની વિશાળ જનસંખ્યાને સંબોધતા કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીને કચ્છ પ્રત્યે મહોબ્બત છે એમ કહેવાય છે, જેથી તેઓ કચ્છમાં હજુ સુધી 92 વખત આવી ગયા છે. પરંતુ, પશુપાલકોના જિલ્લામાં એક સમયે એશિયાના સૌથી મોટા બન્નીના ઘાસિયા મેદાનને પશુપાલકો માટે સુરક્ષિત કેમ નથી કરતા.
એવો સણસણતો સવાલ કરી કહ્યું હતું કે, કચ્છને રણોત્સવની નહીં પણ બન્નીમાં ફોરેસ્ટ એકટ હટાવવાની જરૂર છે. કેમ કે, અહીં પશુપાલન અને ડેરી ઉદ્યોગ છે. જેના માટે ઘાસિયા મેદાનની વધુ જરૂર છે. ડાંગમાં ફોરેસ્ટ એકટ હટાવ્યો પણ બન્નીમાં આજ પણ ફોરેસ્ટ એકટ ચાલુ છે, જેથી પશુપાલકો અને ડેરી ઉદ્યોગને ફાયદાકારક નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બન્ની વિસ્તારમાં 19 ગ્રામ પંચાયત અને 55 ગામડા છે. બન્ની માટે કોઈ સ્કીમ નથી. બન્નીના પશુ પાલકોને એ બધી સુવિધા મળવી જોઈએ. જે ડાંગને મળે છે. ત્યારબાદ તેમણે આંકડાકીય માહિતી સાથે કહ્યું કે, કચ્છની આબાદી 20 લાખ ઉપર છે. પરંતુ, અમદાવાદ અને આણંદની સરખામણીમાં કેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે. તેમણે કહ્યું કે, ગરીબ અને મધ્યમ વર્ગને આશીવાર્દ રૂપ જિલ્લાની સિવિલ હોસ્પિટલ અદાણીને આપી દીધી.
તેમણે કચ્છ જિલ્લાની પાણીની સમસ્યાનો પણ ઉલ્લખે કરતા વોટર પ્રોજેકટ હજુ પણ પૂરો નથી થયો. ત્યારબાદ શિક્ષણની સ્થિતિ ઉપર પ્રકાશ પાડતા કહ્યું કે, કચ્છમાં 40 ટકા મહિલાઓ અશિક્ષિત છે. ડ્રોપઆઉટ રેશિયો 26 ટકા છે. એટલે કે 4માંથી 1 જ બાળક માત્ર સેકન્ડરી એજ્યુકેશન મેળવી શકે છે.
ઊંટ પાણીમાં તરતા હોય તો માણસો તોફાનનો રૂખ બદલી શકે : ચૂંટણી સંદર્ભે કરી સૂચક ટકોર
કચ્છ જિલ્લામાં ખારાઈ ઊંટ પાણીમાં તળે છે. એની યાદ અપાવતા કહ્યું કે, એ માત્ર કચ્છમાં જ જોવા મળે છે. જો ઊંટ પાણીમાં તરી શકતા હોય તો માણસો તોફાનનો રૂખ પણ બદલી શકે. એ.આઈ.એમ.આઈ.એમ.ને સફળ બનાવી શકે છે. મારી વાત ઊંટ સાંભળતા હશે તો એ પણ વિચારશે કે, મારું તરવું સફળ થયું.
બંધારણમાં રિજીયોનલ ડેવલોપમેન્ટ બોર્ડની જોગવાઇ , તેના થકી જ કચ્છને હક્ક મળશે
તેમણે જણાવ્યું હતું કે, ભારતના સંવિધાનમાં રિજીયોનલ ડેવલોપમેન્ટ બોર્ડની જોગવાઈ કરવામાં આવી છે, જે બોર્ડ કચ્છને આપવું જોઈએ અને તો જ કચ્છનો વિકાસ સંભવ બનશે. તો જ જિલ્લાના ના લોકોને હક્ક અધિકાર મળતા થશે.
કચ્છી ભાષાને સંવિધાનમાં સામેલ કરો
તેમણે કહ્યું કે, કચ્છની ભાષા મિઠ્ઠી છે. એને સુરક્ષા કરવી જોઈએ. સંવિધાનના સિડ્યુઅલમાં સામેલ કરવી જોઈએ.
મોદી, યોગી, મમતા વિરુદ્ધ બોલાય તો જેલ
તેમણે નુપુર શર્મા વિવાદીત નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, મોદી અને યોગી વિરુદ્ધ બોલનારાને જેલ ભેગા કરાયાના દાખલા છે. મોદી, યોગી અને મમતા વિરુદ્ધ બોલો તો જેલ થાય છે. પરંતુ, નુપુર શર્માની મુસ્લિમ ધર્મ વિશે ટિપ્પણી બાદ પોલીસ ફરિયાદ કર્યાને 15 દિવસ થયા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી.
કચ્છના મુસ્લિમો પહેલેથી જ વતનપરસ્ત
તેમણે કચ્છના યુસુફ મહેર અલી, ફતેહમામદનો ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, કચ્છના મુસ્લિમો વતનપરસ્ત હતા. તેઓ પોતાના વતન માટે ફના થયા હતા અને દેશની આઝાદીમાં ગાંધીજી સાથે જોડાયા હતા.
કોંગ્રેસને મત આપો છો અને ચૂંટાઈને ભાજપમાં ચાલ્યા જાય છે
તેમણે કોંગ્રેસીઓને પણ આડેહાથ લેતા કહ્યું હતું કે, તમે કોંગ્રેસને મત આપો છો. પરંતુ, ચૂંટાઈને એ ભાજપમાં ચાલ્યા જાય છે. મત મેળવીને કહે છે કે, મિયાનો મત મળી ગયો. પરંતુ, દિલમાં તો મોદી છે. ચલો મોદીની ચાહે પીએ. હવે સભા પછી કોંગ્રેસીઓ તમામ કાનમાં ખુશપુશ કરશે. હું કોંગ્રેસને પૂછવા માંગું છું કે, ભાજપને 27 વર્ષથી હરાવી નથી શક્યા. જો આજ સ્થિતિ રહી તો ભવિષ્યમાં કોંગ્રેસને વિપક્ષનું સ્થાન પણ નહીં મળે. એ.આઈ.એમ.આઈ.એમ. કચ્છમાં આવી એટલે હવે તેમની ઊંઘ હરામ થઈ જશે.
દેશમાં 60 લાખ નોકરી છે પણ વડાપ્રધાન આપતા નથી: આ આંકડા મારા નથી, ભાજપના વરુણ ગાંધીના છે
તેમણે અલગ અલગ વિભાગ અને સ્તરની આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, દેશમાં કુલ 60 લાખ નોકરીઓ છે. આ આંકડા મારા નથી. ભાજપના વરુણ ગાંધીના છે. પરંતુ, મોદી બેરોજગારોને નોકરી આપવા નથી માંગતા. બેરોજગારોને બેરોજગાર રાખવા માંગે છે. દુનિયામાં એક માત્ર ભારત એવો દેશ જ્યાં સૌથી વધુ બેરોજગારો છે. હું ભારતના બેરોજગારોને કહું છું કે, મોદી પાસે નોકરી માંગો. એ લોકસભાની 2024ની ચૂંટણી પહેલા આપો. અરે ગુજરાત વિધાનસભાની 2022/23ની ચૂંટણી પહેલા આપો. બીજી તરફ મોંઘવારી પણ વધતી જાય છે. મોદી ગરીબીને ખતમ નથી કરતા. ગરીબોને ખતમ કરે છે.
ગરીબોના ઘર ઉપર નહીં, સંવિધાન ઉપર બુલડોઝર
ઉત્તર પ્રદેશમાં નુપુર શર્માના વિવાદીત નિવેદન બાદ તોફાનો ફાટી નીકળ્યા હતા, જેમાં મુખ્યમંત્રી યોગીએ દોષીઓના ઘર ઉપર બુલડોઝર ફેરવ્યા છે. જો એવું કરવું છે તો અદાલતની શું જરૂર છે. અદાલતને તાળા મારી દો. એવું કરી મુખ્યમંત્રીએ સંવિધાન ઉપર બુલડોઝર ફેરવી દીધું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.