લુપ્ત કળા:ભાતીગળ ‘ભોડળ કળા’ થી મોડર્ન ‘મડવર્ક’ સુધીની સફર ...

ભુજ16 દિવસ પહેલાલેખક: ડૉ પૂર્વી ગોસ્વામી
  • કૉપી લિંક
  • ચકાર, મંજલ તથા ગઢશીશા ગામના ચારણ પરિવારોના ઘરમાં ભૂકંપ પહેલા આ કળાના અંશ વિદ્યમાન હતા હવે ભોડળની કળા લુપ્ત થઇ

ચારણો કચ્છમાં વસ્યા ત્યારથી સાહિત્ય સાથે કળા વૈવિધ્યના કામણ પાથર્યા છે અને એટલે જ લુપ્ત થઇ ગયેલી ‘રંગ ભોડળ કળા’ પણ આ નિમિતનું પરિણામ છે. બુધીબેન ગઢવીની લોકકલા રંગ ભોડળની દુનિયામાં પ્રખ્યાત હતા.

સામાન્ય મડ-મીરર વર્કથી માત્ર તેની ચમકને લીધે આ કળા જુદી પડતી હતી. બુધિબહેન અને તેમનાં સમયની ચારણ બહેનો પોતાના ઘરની દીવાલોને લીપી તેના પર મીરર વર્ક કરી ઉપરથી ભોડળ મિશ્રિત કપડું મારતી, જેથી તેની ચમક એક અલગ જ ઉઠાવ આપી શકતી. ભોડળનો પોતાનો કોઈ મૂળ રંગ નથી. તે ગમે તે રંગમાં ભેળવી દેવાથી ચમકદાર બને છે.

ભોડળ એટલે કે અભ્રક, જે એક ધાતુ છે. અભ્રકને સ્થાનિક બોલીમાં ભોડલ અથવા ભોડર તથા અંગ્રેજીમાં મીકા કહેવામાં આવે છે. જે રંગોને ચમક આપે છે. વિશ્વમાં સૌથી વધુ અભ્રકનું ખનન ભારતમાં કરવામાં આવે છે. રાજસ્થાનના લગભગ 60 ટકા અભ્રકનું ખનન ભીલવાડા જિલ્લામાં થતું હોવાથી ત્યાના ભાસ્કર પ્રતિનિધિ નિરંજન શુક્લા પાસે વધુ માહિતી મળી કે, મેવાડ પ્રદેશમાં, તેના ચળકતા વરખથી બનેલી રાખડીઓનો ટ્રેન્ડ રહ્યો છે, જેને ભોડરની રાખડીઓ કહેવામાં આવે છે. આ સિવાય કેનવાસ ચિત્રના રંગોમાં, સૌન્દર્ય પ્રસાધનોમાં પણ તેનો ઉપયોગ થાય છે. ગંગાપુર બ્લોકમાં, દેવી શક્તિપીઠ ભરકા દેવીનું નામ આ ધાતુ પરથી પડ્યું છે. વાસ્તવમાં, ભરકા અથવા ભરકએ અભ્રક/અભરકનું જ અપભ્રંશ છે.

આ કળા એકમાત્ર કચ્છમાં જ હતી તેવું નથી. બુધિબહેન અને તેમની જ જ્ઞાતિની બહેનો કચ્છ સિવાય જ્યા પણ વસવાટ કરતી ત્યાં આ કળાને પોતાના જીવનના અભિન્ન અંગ તરીકે વિકસાવી હતી. કમનસીબે આપણા કચ્છમાં ભોડળ કળાને રજુ કરતાં એક પણ ભૂંગા કે ઘર બચ્યા નથી પરંતુ જામનગરના જાંબુડા ગામે આશરે બસો વર્ષ જુના ઘરની એક દીવાલ પર આ કામ થોડાઘણા અંશે દ્રશ્યમાન છે.

ગરાસિયા, રબારી, ચારણો, મુતવા, વણકર, મારવાડા, કુંભાર વિ. જ્ઞાતિની બહેનોની આંગળીના ટેરવે મડવર્કની કરામત સર્જાય છે. પરંતુ ભોડળના માહેર કારીગરો એકમાત્ર ચારણો હતા. ચકાર, મંજલ તથા ગઢશીશા ગામના ચારણ પરિવારોના ઘરમાં ભૂકંપ પહેલા આ કળાના અંશ વિદ્યમાન હતા. બહેનો લીંપણ કરતી વખતે હથેળીથી ઓકળિયો બનાવી વિવિધ ભાત ઉપસાવે છે. એમાં લાલ કે સફેદ માટીનો ઉપયોગ કરી આગવી રંગછાપ ઉપજાવે છે. ક્યાંક વચ્ચે-વચ્ચે આભલાં ચોંટાડે છે.

ઉપરાંત મોર, પોપટ, ઢેલ, વૃક્ષો, ભાતીગળ ચાકળા, ફૂલ-વેલ, સૂર્ય, ચંદ્ર, શ્રીગણેશ વગેરેનું બેનમૂન મડકામ હોય છે. મડવર્કની જો વાત કરીએ તો એન્ટી કલ્ચરલ પ્રવૃતિઓના ભરમાર વચ્ચે આજે ભાતીગળ કળા પ્રત્યે જાગૃતિ આવવાની સાથે સૌથી વધુમાં વધુ તેનું વ્યવસાયીકરણ થયું છે. આ કામણગારી કળા આજે અર્બન નારીની ગૃહ સુશોભનની તાલીમનો મુખ્ય વિષય બની ગઈ છે.

ઇન્દુબેન અરજણ શીજુને 2010માં મડવર્ક માટે રાજ્યકક્ષાનો એવોર્ડ મળ્યો છે. વર્ષ 2015 માં અન્ય એક કારીગર ફરીદાબહેન અબ્દુલ છડીદારે તો સ્વ. લતા મંગેશકરને મડવર્કની ફ્રેમ ગીફ્ટ કરવા રૂબરૂ ગયા હતા. ભાઈઓમાં માજી ખાન મુતવાને મડવર્ક કળાના એમઝોન સેલર તરીકે સ્થાન હાંસલ થયું છે.

આશરે ત્રણ દાયકા પહેલા ભૂજોડીના હાંસબાઈ રબારી વિદેશમાં આ ગારગોબરનું કામ કરવા ગયા હતા અને સામગ્રી વિમાનમાં ગુણ ભરીને સાથે જ લેતા ગયેલા. આજે તેમની દીકરી ભચીબાઈ આ કામ કરે છે. આઇશાબાઈ ઇસ્માઇલને પોટરીના નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેમની દીકરી સારાબેન અબ્દુલ મારાએ અનેક નેતા-અભિનેતાના ઘરો, સરકારી ઓફિસ-વસાહતો, ફાઇવસ્ટાર હોટેલોને મડ-લીંપણથી શણગાર્યા છે. આજે વિલાયતી લોકો આપણાં છાણ-લાદથી સુશોભિત દીવાલો અને મડવર્કના દિવાના છે. આપણે એ લોકોના દેશમાં સિમેન્ટ ટાઇલ્સના અવનવા ફ્લોર જોવા આકર્ષાઈ જઈએ છીએ અને એ લોકો સાવ સાદા પણ કમનીય ભૂંગાનું સુશોભન જોઈને ચકચકિત થઈ જાય છે અને એટલે જ એ લોકોને આપણું જોતાં જોઈને આપણે પણ આપણું જોતાં થયા છીએ.

રંગ ભોડળ કળા માટે સ્વ. બુધિબેનને મેડલ એનાયત
વિજયાલક્ષ્મીબેન કોટક કહે છેકે, ‘ચારણ- ગઢવી સમાજના કારીગરો લીંપણ ગૂંપણની પ્રક્રિયામાં ખાસ ભોડળના પડ ચડાવતા. જેથી તેની શોભામાં ચારચાંદ લાગી જતો. મારા પિતાજી હિરજીભાઈ કોટક 1956માં ડિસ્ટ્રિક્ટ લોકલ બોર્ડના પ્રમુખ હતા. તેમની પ્રેરણાથી કચ્છમાં સૌપ્રથમ વખત ખાદી ગ્રામોદ્યોગ કળા પ્રદર્શન યોજાયો હતો, જેમાં મંડપ સુશોભન તથા રંગ ભોડળ કળા માટે ચકાર ગામના સ્વ. બુધિબહેન ગઢવીને મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.’

અન્ય સમાચારો પણ છે...