કચ્છમાં પ્રથમ વખત ટેગ કરાયેલ હોબારા બસ્ટાર્ડ નામનું પક્ષી નોંધાયું છે,જે ગુજરાતીમાં ટીલોર અથવા મેકિનના ઘોરાડના નામથી ઓળખાય છે. સામાન્યતઃ આ પક્ષી શિયાળામાં બન્ની અને પાકિસ્તાનના વિસ્તારમાં જોવા મળતું હોય છે પણ રસપ્રદ બાબત છે કે રીંગ ટેગ કરેલ હોબારા પહેલી વખત કચ્છમાં ઉતરાદી બન્નીમાં પક્ષી નિરીક્ષક ભરત કાપડીએ નોંધ્યું છે અને ફોટો ક્લિક કર્યો હતો.
વેલેન્ટીન મોટેઉ દ્વારા આ પક્ષીને અબુધાબીમાં ઘોરાડ પ્રજનન કેન્દ્રમાં ટેગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પાકિસ્તાનમાં છોડવામાં આવ્યું હતું. શુક્રવારે આ પક્ષી ઉત્તરાદિ બન્ની વિસ્તારમાં નોંધાયું છે. હોબારા બસ્ટાર્ડ સામાન્યતઃ મેકક્વીન બસ્ટાર્ડથી પણ ઓળખાય છે,જે દર વર્ષે મધ્ય એશિયાથી દક્ષિણી પાકિસ્તાનના રણ અને ઈરાનમાં મોટી સંખ્યામાં અને કચ્છના નાના અને મોટા રણમાં જૂજ સંખ્યામાં પ્રવાસ ખેડે છે. કચ્છના પક્ષીજગત માટે આ નોંધ રસપ્રદ બનશે. આ અગાઉ હોબારા બસ્ટાર્ડ પક્ષીઓ ભરત-પાક સીમા ઓળંગતા હોવાના સ્વાભાવિક દાખલા ચર્ચાયેલા છે ત્યારે રીંગ ટેગ કરેલ પક્ષીએ આ બાબતનો વૈજ્ઞાનિક પુરાવો આપ્યો છે.
પાક. સીમાની પાર કેટી બંદર અને સિંધમાં વસતી
દુર્લભ દેવ મનાતી ઘોરાડની પ્રજાતિનું આ પક્ષી કચ્છ જિલ્લામાં મુખ્યત્વે સરહદી વિસ્તારથી લઇ બન્ની,અબડાસા સહીત પાટડી અને બજાણાના કચ્છના નાના રણમાં ભાગ્યે જ જોવા મળે છે,જે પાકિસ્તાનમાં પણ ઇન્ડો-પાક બોર્ડરની પેલે પાર કેટી બંદર અને સિંધ વિસ્તાર સહિત રણવિસ્તારમાંમાં મોટી સંખ્યામાં વસ્તી ધરાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.