અંજાર તાલુકાના ભીમાસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકના વરસાણા સબ સેન્ટરમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીએ શુક્રવારે સબ સેન્ટરમાં જ ગળેફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી ગઈ હતી.આ બનાવની જાણ જિલ્લાના કર્મચારીઓને થઈ જતા ભારે ચર્ચાનો મુદ્દો બન્યો હતો. આંતરજિલ્લા ફેરબદલી ન થવાથી આ કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું કારણ પણ સામે આવ્યું છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વરસાણા સબ સેન્ટર ખાતે ફરજ બજાવતા આ કર્મચારીએ બપોરના સમયે સબ સેન્ટરમાં દરવાજો બંધ કરીને પંખામાં લટકી ફાસો ખાવાનો પ્રયાસ કર્યો હતો.
જેની જાણ મિત્રો અને કર્મચારીઓને થતા તાત્કાલિક દરવાજો તોડીને યુવાનને આ પગલું ભરી લેતા બચાવી લેવામાં આવ્યો હતો અને હોસ્પિટલમાં લઈ જઈ સારવાર આપી ઘરે ખસેડવામાં આવ્યો હતો.આ પગલું ભરવા પાછળનું કારણ પણ સામે આવ્યું છે.મલ્ટી પર્પઝ હેલ્થવર્કર તરીકે ફરજ બજાવતા શુભમ નામના કર્મચારીએ પોતાની આંતરજિલ્લા ફેર બદલી માટે માંગણી મૂકી હતી.
તેની ફાઈલ જિલ્લા પંચાયત દ્વારા ગાંધીનગર મોકલવામાં ન આવી હોવાથી આ વાતનું મનમાં લાગી આવતા આ પ્રયાસ કર્યો હતો તેવું આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ દેવજીભાઈ નોરિયાએ જણાવ્યું હતું.આ મુદ્દે જિલ્લા પંચાયત,પોલીસવડા સહિતની કચેરીઓમાં રજુઆત કરવામાં આવી હતી.આ બાબતે અંજારના ઈન્ચાર્જ આરોગ્ય અધિકારીએ આજે કર્મચારીને બ્લોક ખાતે બોલાવવામાં આવ્યા હોવાનું કહ્યું હતું.
ઘટના બની છે,આજે સવારે કર્મચારીને રૂબરૂ બોલાવાયા છે : ડીડીઓ
સમગ્ર બાબતે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માનું ધ્યાન દોરતા તેમણે તાત્કાલિક તપાસ કરવાની ખાતરી આપી હતી.ડીડીઓએ જણાવ્યું કે,ભીમાસર પીએચસી હસ્તકના વરસાણા સબ સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.કર્મચારીએ જણાવ્યું છે કે,આંતરજિલ્લા ફેરબદલી ન થવાથી તેણે પ્રયાસ કર્યો હતો. જેથી આજે સવારે 10 : 30 કલાકે રૂબરૂ મુલાકાત માટે બોલાવાયા છે.દરમ્યાન કર્મચારી મંડળ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે,આંતરજિલ્લા ફેરબદલી કરવામાં આવતી નથી. જેથી આ બાબતે તેમણે કહ્યું કે,સામાન્ય રીતે 5 વર્ષ પૂર્ણ થાય પછી બદલીની ફાઇલ મોકલાતી હોય છે પણ કચ્છમાં સ્ટાફની અછત હોવાથી ફાઇલ મોકલવામાં આવી ન હતી.વરસાણાના કિસ્સામાં કર્મચારીના 5 વર્ષ હજી પૂર્ણ જ થયા છે જેથી તેની અરજી વિશે પણ વિમર્શ કરવામાં આવશે.
આજે આરોગ્ય કર્મચારીઓ રજા રાખશે
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર,ફિમેલ હેલ્થ વર્કર,ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફાર્માસિસ્ટ, લેબ ટેક્નિશિયન સહિતના વિવિધ કર્મચારીઓ આજે એક દિવસની સીએલ રજા પાડશે તેવું કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા જણાવાયું છે તેમજ આંતર જિલ્લા ફેરબદલીની ફાઈલ ગાંધીનગર મોકલવામાં આવે,પગારની અનિયમિતતા દૂર કરવી, ટી.એ. બિલ મંજૂર કરવા સહિતના પ્રશ્નો અંગે આજે જિલ્લા પંચાયતમાં રજૂઆત કરવામાં આવશે.
પડતર માંગણીઓ મુદ્દે 8 તારીખથી અનિશ્ચિત મુદતની હડતાલ પણ પાડશે
દરમિયાન આરોગ્ય કર્મચારીઓની વિવિધ પડતર માંગણીઓ સરકાર દ્વારા સ્વીકારવામાં ન આવી હોવાના આક્ષેપ સાથે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી સંઘ દ્વારા દરેક જિલ્લામાં 8 તારીખથી અનિશ્ચિત મુદતની હડતાલનું એલાન અપાયું છે.જેમાં કચ્છના કર્મચારીઓ પણ જોડાશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અજાણ
આ સમગ્ર બાબતે સીડીએચઓ ડો.જનક માઢકનો સંપર્ક સાધતા તેમણે આ બાબતે કોઈ માહિતી ન હોવાનું કહ્યું હતું.જિલ્લા આરોગ્ય વિભાગના વડાને આરોગ્ય કર્મચારી આપઘાતનો પ્રયાસ કરે એ વાતની જાણ ન હોય એ વાત ગળે ઉતરે તેમ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.