સમસ્યા:પખવાડિયાથી RTOનું સર્વર ડાઉન હોતા કામગીરી પર પડી વ્યાપક અસર

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા વાહનની 1700 જેટલી અરજીઓ હજી પેન્ડિંગ

આરટીઓના સર્વરમાં છેલ્લા 15 દિવસથી સમસ્યા ચાલી રહી છે.જેમાં ક્યારેક સર્વર ડચકાં ખાતાં-ખાતાં ચાલે છે તો ક્યારેક સાવ ઠપ થઈ જાય છે.જેના કારણે અરજદારોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.હાલમાં કચેરીમાં નવા વાહનની 1700 જેટલી અરજી પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે જેમાં 1300 જેટલા દ્વિચક્રીનો સમાવેશ થાય છે.ભુજની કચેરીમાં સ્ટાફઘટ વચ્ચે શરૂ થયેલી આ સર્વરની સમસ્યાથી આરસીબુક, વાહન ટ્રાન્સફર,એનઓસી સહિતની અરજીઓ સબમિટ કરવામાં હાલાકી થઈ રહી છે.સર્વરની સમસ્યા સ્ટેટની નહિ પણ નેશનલ લેવલે ઉદભવી હોવાનું જાણવા મળ્યું છે.

મહત્વનું છે કે,તહેવારોમાં સર્વરની ખાસ સમસ્યા રહે છે. નવા વાહનના વેચાણ બાદ આરટીઓમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીમાં રૂટિન વેચાણ થતી અરજીઓનો પણ ભરાવો થાય છે.જોકે,ડીલર દ્વારા આપવામાં આવતા ટેમ્પરરી નંબર 6 મહીના સુધી વેલીડ ગણાય છે.

અગાઉ આ મુદત માત્ર 1 મહિનાની હતી.જેમાં સરકારે વધારો કર્યો છે. આરટીઓ કચેરીમાં એજન્ટો પર પ્રવેશબંધી લગાવવામાં આવી છે જેના કારણે અરજદારોના કામ અને રૂટિન કામોએ ફરી એકવાર ગતિ પકડી લીધી છે.જેથી ઝડપથી આ અરજીઓનો નિકાલ થવાની આશા છે.સ્ટાફઘટની ભયંકર સમસ્યા અને સર્વરના ઇશ્યુ વચ્ચે પણ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...