ભચાઉ તાલુકાના સામખીયાળીમાં ગઈકાલે શુક્રવારે નવી લગાડેલી ટીસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. જાહેર માર્ગ પર ટીસીમાં લાગેલી આગથી દોડધામ મચી હતી. બપોરના 12.30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. સ્થાનિક લોકોએ તુરંત વીજ કર્મચારીઓને બોલાવી લીધા હતા અને વીજ પ્રવાહ બંધ કરાવી આગને કાબુમાં લીધી હતી. જેના કારણે મોટી દુર્ઘટના થતાં ટળી હતી.
ઉલ્લેખનીય છે કે, વીજ સમસ્યા નિવારવા તંત્ર દ્વારા ત્રણ દિવસમાં ચાર વખત ટીસી બદલવામાં આવી હતી અને તેમાં પણ આગ લાગી ઉઠતા ફરી બદલવાનો વારો આવ્યો હતો. લાઈટ બંધ રહેતા ઠંડાપીણાં અને દૂધ વિક્રેતાઓને નુકસાની થઈ હતી.
સામખીયાળી ગામની મુખ્ય બજારમાં ચારથી વધુ ટીસી બદલવામાં આવી હતી ત્યારે એક જ ટીસી બે દિવસની અંદર બે વખત બળી જતા વીજ વ્યવહાર ખોરવાયો હતો. જેથી લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા ચારથી પાંચ દિવસ દરમિયાન વીજ પુરવઠામાં હાઈ અને લો વોલ્ટેજ થવાનું પ્રમાણ વધી ગયું છે, જેને લઈ ગત રાત્રિએ ગામની અંદર લાઇટ ડીમ થતા લોકોના ઘરોમાં વીજ ઉકારણોને નુકસાન થયુ હોવાનું ગ્રામજનોએ જણાવ્યુ હતું. પીજીવીસીએલ તંત્ર યોગ્ય રીતે કામગીરી ન કરતાં હોવાનું પણ સ્થાનિક લોકોએ કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.