ભુજથી ભુજોડી વચ્ચેના માર્ગ પર આજે મંગળવારે બપોરે અઢી વાગ્યે બાવળની ઝાડીમાં આગ લાગી ઉઠી હતી. આ આગ ઉપરથી પસાર થતી વીજ લાઈનના તાર તૂટવાથી લાગી હોવાનું સામે આવ્યું હતું. બનાવ સ્થળ નજીક હાઇવે હોટલ આવેલી હોવાથી લોકોની અવરજવર વિશેષ રહેતી હોય છે. જેને લઈ આગના પગલે ભયનો માહોલ સર્જાયો હતો. જો કે ફાયર વિભાગને ઘટનાની જાણ કરવામાં આવતાં ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવીને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવામાં આવી હતી.
ઉનાળાની શરૂઆત બાદ આગ લાગવાની ઘટનાનો સીલસીલો આજ સુધી યથાવત રહેવા પામ્યો છે. આજે ભુજોડી નજીકના માર્ગ પર આવેલી ઝાડીમાં વીજ તાર તૂટવાના કારણે આગ લાગી હતી. જેને ફાયર વિભાગના રવિરાજ ગઢવી, હિરજી રબારી અને સત્યજિત ઝાલાએ ફાયર ફાઇટર વડે કાબુમાં લીધી હતી. આ વેળાએ વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી હોવાનું જાણવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.