ઓછા પાણીમાં અને ગમે તેવી જમીન પર ઓછા સમયમાં વધુ ઘટાદાર અને ઊંચાઈ પકડી લેતા વિદેશી વૃક્ષ કોનોકાર્પસના વાવેતર બાદ દુષ્પરિણામ માનકુવા ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂતને અનુભવ થયો, જે લાલબત્તી સમાન છે. માનકુવાની સીમમાં મહેનત કરીને બાગાયત ખેતીના હેતુ સાથે વાડીમાં ફળના વાવેતર કરવામાં આવ્યું. પરંતુ તેની આસપાસ આકર્ષક દેખાવ બને તે માટે વાવેલા જેટલાં કટીંગ કરો એટલાં દિવસ રાત વધુ મોટાં થાય એવા કોનોકાર્પસના પણ અનેક વૃક્ષો વાવ્યા. જો કે આજે પસ્તાવા સાથે બધા વૃક્ષ ઉખેડી ફેંકી દેવાનો નિર્ણય લેવો પડ્યો છે.
ફાર્મ હાઉસના માલિક ભીમજીભાઈ જોધાણીએ સ્વિમિંગ પુલની ચારેય બાજુ વાવેલા આ વૃક્ષના મુળીયા પાણીની અંદર ટાઇલ્સનો ફ્લોર તોડીને બહાર આવી ગયા છે. આ વૃક્ષની સમાંતર અને દેખાવે તંદુરસ્ત લાગે એવાં નાળીયેરના અનેક વૃક્ષોએ ધીમે ધીમે પોતાની ફળદ્રુપતા ગુમાવી દીધી છે. એકેય પશુ જેનાં પાન નથી ખાતું એવાં આ વૃક્ષ પર ક્યાંય પક્ષી બેઠેલું ન દેખાયું, ન એકેય પક્ષીનો માળો કે ન કરોડીયાનું એકેય ઝાળું પણ દેખાયું.
જાગૃતિ નહિ આવે તો ખતરનાક પરિણામ ભોગવવા પડશે
પ્રદુષણ નિવારણ માટે સરકારી નિયમો પ્રમાણે કરવા પડતાં વૃક્ષારોપણના નામે વગર માવજતે જલ્દી લીલું દેખાડવા મોટા ઉદ્યોગો, ફેકટરીઓ, કારખાનાઓ, કંપનીઓ, વિવિધ સંસ્થાઓ અને વનવિભાગ દ્વારા પણ ઠેરઠેર લાખોની સંખ્યામાં થતાં મોટેપાયે પ્લાન્ટેશન છેવટે તો જે તે વિસ્તારનાં સેંકડો જાતના હજારો દેશી ઔષધિય વૃક્ષો, સ્થાનિક પ્રકૃતિ, પર્યાવરણ, પશુ અને પક્ષીઓનું નિકંદન કરવા સાથે જ્યાં પણ વવાય છે ત્યાં નજીકના જ ભવિષ્યમાં ભયંકર રીતે નુકસાનકારક જ સાબિત થશે.
ભુજીયા ડુંગરની તળેટીમાં પણ આ વૃક્ષ છે, જે કાઢવા રહ્યા
ભુજીયા ડુંગરની તળેટીમાં આકાર પામી રહેલા સ્મૃતિવનની હદમાં સડક બાજુએ એક મોટા વિસ્તારમાં ખાનગી કંપનીના આર્થિક સહયોગથી આશરે ત્રણ હજાર કોનોકાર્પસના વૃક્ષો વાવવામાં આવ્યા છે. જે અન્ય વૃક્ષો પર ખરાબ અસર લાવી શકે તેમ છે. એટલું જ નહિ, મહા મહેનતે મિયાવાકી મેથડ વડે લાખો વૃક્ષો ઉગાડાયાં છે અને સારા પરિણામ પણ મળ્યા છે. જ્યારે આ ઝેરી વૃક્ષો ઉખાડી ફેંકી દેવા જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.