અકસ્માત:ભચાઉના કકરવા પાસેના ચાંગ ડેમમાં ન્હાવા પડેલા ખેતમજૂરનું ડૂબી જવાથી મોત

કચ્છ (ભુજ )2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભચાઉ તાલુકાના કકરવા ગામ નજીક આવેલા ચાંગ ડેમમાં 25 વર્ષીય ખેતમજૂર યુવકનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયાની ઘટના સામે આવી છે. હતભાગી યુવક ગઈકાલ સાંજે ડેમના પાણીમાં ન્હાવા પડ્યો હતો. જે 25-30 ફૂટ ઊંડા પાણીમાં ગરક થઈ જતા આસપાસના લોકોએ તંત્રને જાણ કરતા સ્થાનિક તરવૈયાઓની મદદ વડે શોધખોળ આદરી હતી. જે સમી સાંજ સુધી ચાલુ રહી હતી. પરંતુ યુવકનો પત્તો લાગ્યો ન હતો. આજ સવારે હતભાગી યુવકનો મૃતદેહ પાણીની સપાટી ઉપર તરી આવતા પંચાયત દ્વારા તેનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ભચાઉ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

મૃતદેહ પાણીની સપાટી પર તરી આવતા તરવૈયાઓએ બહાર લાવ્યો
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કકરવા ગામના દુર્ગમ વિસ્તારમાં આવેલા ચાંગ ડેમ નજીક વાડીમાં ખેત મજૂરનું કામ કરતો 25 વર્ષીય રાજેશ નરશી કોલી ગઈકાલ સાંજના 5 વાગ્યાની આસપાસ ડેમના પાણીમાં ન્હાવા પડ્યો હતો. પરંતુ 25 ફૂટથી વધુની પાણીની ઊંડાઈની ધરાવતા ડેમમાં તે ડૂબી ગયો હતો. ઘટનાની જાણ પંચાયતમાં કરાતા સરપંચ બચીબેન ભીલ, તલાટી ભરત શામળિયા વગેરે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓની મદદ વડે યુવકને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે રાત્રિના સમયે સુધી તે મળી શક્યો ન હતો. દરમિયાન આજ સવારે તેનો મૃતદેહ પાણીની સપાટી પર જોવા મળતા લોકોની મદદ વડે તેને બહાર લાવી ભચાઉ સરકારી દવાખાને પોસમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. હતભાગી યુવક મૂળ વામકા ગામનો રહેવાસી છે.

અન્ય સમાચારો પણ છે...