ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવમાં સારા અેવા પ્રમાણમાં વરસાદી પાણી આવ્યું છે, જેથી 77 અેકરમાં પાણી હિલોળા લેતું થઈ ગયું છે. જેની સાથે શહેરીજનોના હૈયામાં પણ આનંદ હિલોળા લેતો થઈ ગયો છે. પરંતુ, જ્યાં સુધી રઘુનાથજીના આરે બંને દીવાલો ઉપર મૂકાયેલી હાથીની પ્રતિમાના પગ સુધી પાણી ન પહોંચે ત્યાં સુધી હમીરસર અોગન્યું ન ગણાય, જેથી શહેરીજનો ચાતક નજરે હમીરસર અોગનાય અેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ, હાથીના પગ સુધી પહોંચવા હજુ ચારેક ફૂટની ઊંચાઈનું અંતર કાપવાનું બાકી છે. જે અંતર કાપવા માટે ઉપરવાસમાં અેકસાથે પાંચેક ઈંચ વરસાદ પડે તો જ સંભવ બનશે.
તળાવ ભરાય તો સાતમ અાઠમનો મેળો જામે
તળાવ છલોછલ ભરાયો હોય તો સાતમ અાઠમના મેળામાં પણ ભારે ભીડ અેકઠી જાય છે, જેથી નાના વેપારીઅો રમકડા અને ખાણીપીણીના સ્ટોલ રાખીને ખૂબ કમાણી કરતા હોય છે. જે માટે પાલિકા દ્વારા સ્ટોલ ભાડે અાપવાનો ઠેકો અપાતો હોય છે.
અાવના મુખ્ય ત્રણ સ્રોત
હમીરસર તળાવમાં ઉપરવાસના લક્કી ડુંગર, ચાંગલાઈ રખાલ પર્વતમાળા, 22 કૂવા અાવ મારફતે વરસાદી પાણી અાવે છે, જેમાંથી લક્કી ડુંગર અને ચાંગલાઈ રખાલ 12થી 13 કિ.મી. દૂર છે, જેથી ત્યાં અેકધારું પાંચેક ઈંચ વરસાદ થાય તો જ વરસાદી પાણી હમીરસર સુધી પહોંચી શકે અેમ છે.
વધારાનું પાણી ધોબી તળાવમાં ઠલવાશે
હમીસર તળાવનો રાજેન્દ્ર બાગ પાસેનો ભાગ ભરાઈ જાય અેટલે ઉમેદનગર સામે વોક વે પાસેના પુલિયા મારફતે વધારાનું પાણી ધોબી તળાવમાં ઠલવાય છે. જે તળાવ પણ 26થી 27 અેકરમાં ફેલાયેલું છે. પરંતુ, હજુ ધોબી તળાવનું તળિયું પણ પૂરેપૂરું ભરાયું નથી. જેને ભરાતા પણ હજુ પુષ્કર વરસાદી પાણી જોઈશે.
નગરપતિ વધાવે અને મેઘલાડુ ખવડાવે
હમીરસર તળાવ અોગને અેટલે નગરપતિ દ્વારા વધાવવાની પરંપરા છે. નગરપતિ તળાવને વધાવ્યા બાદ મેઘલાડુંનું જમણ રાખે છે. દરેક નગરપતિ મેઘલાડુંનું જમણ રાખવાની ઈચ્છા રાખતા હોય છે. હાલના નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કરના પિતા પણ નગરપતિ રહી ચૂક્યા છે. જેમને મેઘલાડુંના જમણનો અવસર પ્રાપ્ત થયો ન હતો.
છલકાય અેની ખુશાલીમાં જાહેર રજાની પરંપરા
ભુજ શહેરના હૃદય સમાન હમીરસર તળાવ છલકાય અેટલે શહેરીજનોનો વિશાળ પ્રવાહ ઉમળકાભેર હમીરસર તળાવ તરફ વહી નીકળે છે અને જોતજોતામાં હૈયેહૈયું દળાય અેટલી ભીડ અેકઠી થઈ જતી હોય છે, જેથી શહેરની સરકારી કચેરીઅોમાં જાહેર રજા જાહેર કરાય છે અને ખાનગી પેઢીના માલિકો પણ કામ ધંધા બંધ રાખે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.