તંત્રમાં દોડધામ:નિરોણા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં ગટર-પાણીના જોડાણ માટે ગ્રામ પંચાયત પાસે માંગ મુકાઈ

નિરોણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 વર્ષથી કેન્દ્ર બંધ હોવા અંગે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ આરોગ્ય સમિતિના ચેરમેન દોડી ગયા
  • કેન્દ્રને લોકસુવિધા માટે કાર્યરત કરવા માટે સૂચના અપાઈ : તંત્રમાં દોડધામ

પાવરપટ્ટી વિસ્તારના મુખ્ય મથક નિરોણામાં ગ્રામ પંચાયતની કચેરીની બાજુમાં આવેલ હેલ્થ એન્ડ વેલનેસ કેન્દ્ર ગટર અને પાણીના જોડાણના અભાવે છેલ્લા 3 વર્ષથી બંધ હતું.સરપંચ નરોત્તમ આહીર દ્વારા જીલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી કેન્દ્રની ખૂટતી કડીઓ પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવી હતી.તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી ન હતી.

લોક ફરિયાદ અનુસંધાને ભાસ્કર દ્વારા કેન્દ્રની મુલાકાત લઈ અહેવાલ પ્રસિધ્ધ કરાયો હતો જે બાદ ઉંઘમાં રહેલું તંત્ર સફાળું જાગ્યું હતું અને સોમવારે ખુલતા દિવસે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના અધ્યક્ષ કરસનજી જાડેજા, આરોગ્ય બાંધકામ વિભાગના ઈજનેર, કેન્દ્રનું નિર્માણ કરનાર ઠેકેદાર,નિરોણાના સરપંચ,ગ્રામ્ય અગ્રણીઓ દ્વારા સ્થળ મુલાકાત કરી ખૂટતી કડીઓ અંગે જાત માહિતી મેળવાઈ હતી.

બાદમાં ગ્રામ પંચાયત કચેરી ખાતે મીટિંગ કરી ગ્રામ પંચાયત પાસેથી ગટર અને પાણીના જોડાણ માટે લેખિત માંગ મૂકી અન્ય સવલત આરોગ્ય વિભાગ, ઠેકેદાર ,ગ્રામ પંચાયત સંકલન કરી ઝડપથી પૂર્ણ કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.લાંબા સમયથી મૂળભૂત સુવિધાના અભાવે બંધ હાલતમાં રહેલ આરોગ્ય કેન્દ્ર ભાસ્કરના અહેવાલ બાદ લોકસુવિધા માટે કાર્યરત થાય તે દિશામાં તંત્ર ગતિશીલ બન્યું છે.

આરોગ્ય સમિતિના અધ્યક્ષના મતવિસ્તારમાં જ દીવા તળે અંધારું હોવાનો સર્જાયો હતો તાલ
આરોગ્ય સમિતિના અધ્યક્ષ કરસનજી જાડેજા નિરોણા જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય છે તેમના મતવિસ્તારમાં જ 3 વર્ષથી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બંધ હતું અને શરૂ કરવા માટે ગ્રામ પંચાયત અને આરોગ્ય વિભાગ દ્વારા એકબીજાને ખો આપવામાં આવતી હતી.આ ઘટનાથી દિવા તળે અંધારું જેવો તાલ સર્જાયો હતો.જોકે હાલમાં તંત્ર એક્ટિવ બન્યું હોવાથી લોકોને ઝડપથી આરોગ્ય સેવા મળવાની આશા જાગી છે.

સચોટ અહેવાલ બદલ ભાસ્કરનો આભાર : સરપંચ
સરપંચ નરોત્તમ આહીરે જણાવ્યું કે, જીલ્લા આરોગ્ય અધિકારીને પત્ર લખી કેન્દ્રની ખૂટતી કડીઓ તાકીદે પૂર્ણ કરવા એક માસ અગાઉ પત્ર લખ્યો હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી પરંતુ કચ્છ ભાસ્કરમાં આવેલ અહેવાલના કારણે તંત્રના પગ નીચે રેલો આવતા અધ્યક્ષ સહિતના લોકોએ સ્થળ મુલાકાત લઈને આ કેન્દ્રની ખૂટતી કડીઓ સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરી હતી.લોકલક્ષી સચોટ નીડર અહેવાલ બદલ અભિનંદન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...