ચાઈનાથી ભારત ઘઉં લોડ કરવા આવેલા લક ફોર્ચ્યુન નામના વેસલમાંથી તેનો એક સભ્ય મેંગ્લોરથી 60 નોટિકલ માઈલ દૂર મધદરિયે ગુમ થયાની ઘટના પ્રકાશમાં આવી છે. 23 ચાઈનીઝ ક્રૂ મેમ્બર સાથે ભારત આવવા નીકળેલું જહાજ કચ્છના મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ તરફ આગળ વધી રહ્યું હતું. ત્યારે મેંગ્લોરથી દૂર દરિયામાં તેનો એક સભ્ય ગુમ થયાની જાણ જહાજ પર થઈ હતી, જેની જાણવાજોગ ફરિયાદ મુન્દ્રા મરીન પોલીસમાં કરવામાં આવી હતી.
ગુમશુદા 52 વર્ષીય ઝુ ઝાંગ ફેંગ ઉત્તર ચીનનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ વિશેની જાણ સંબધિત તપાસ એજન્સીને કરવામાં આવી હોવાનું મુન્દ્રા મરીન પીએસાઈ ગિરીશ વાણિયાએ જણાવ્યું હતું.
આ વિશે વધુ વિગતો આપતા પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ગઈકાલે ચાઈનીઝ વેસલમાંથી તેનો ક્રૂ મેમ્બર ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ મુન્દ્રા મરીન પોલીસ મથકમાં કરવામાં હતી. જેના આધારે સંબધિત એજન્સીઓને તેની ખબર આપવામાં આવી છે. જો કે ગુમ થનાર ચાઈનીઝ ક્રૂ મેમ્બર અહીંથી ખૂબ દૂર મેંગ્લોર પાસેના દરિયામાં ગુમ થયો છે. જે આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદા મુજબ નિયત સ્થળ સિવાય જહાજ ઉભું ના રહી શકતાં અહીં પહોંચ્યા બાદ જાણ કરાઈ છે. અલબત્ત ગુમશુદા સભ્ય કોઈ કારણોસર જહાજમાંથી દરિયામાં પડી ગયો હોવાની સંભાવના સૂત્રોએ વ્યક્ત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.