અકસ્માત:મોટી ચીરઇ પાસે કાર અડફેટે સફાઇ કામદાર દંપતિ; પત્નીની નજર સામે જ પતિનું મોત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માતમાં વધુ બે માનવ જીંદગીનો અંત આવ્યો
  • અંતરજાળ​​​​​​​-શિણાય વચ્ચે બાઇકની ટક્કર લાગતાં રાહદારીનું મૃત્યુ, 1 ગંભીર

પૂર્વ કચ્છમાં જીવલેણ માર્ગ અકસ્માતોની ઘટનાઓ રોજિંદી થઇ હોય તેમ આજે વધુ બે જીવલેણ અકસ્માતો નોંધાયા હતા, જેમાં મોટી ચીરઇ પાસે પૂર ઝડપે જઇ રહેલા કારના ચાલકે અડફેટે લેતાં પત્નીની નજર સામે જ પતિનું મોત નિપજ્યું હોવાની, તો અંતરજાળ અને શિણાય વચ્ચે પગપાળા જઇ રહેલા બે મિત્રોને બાઇક ચાલકે ટક્કર મારતાં એકનું મોત નિપજ્યું હતો તો બીજો ગંભીર રીતે ઘાયલ થયો હતો. મુળ નડિયાદના હાલે ગાંધીધામ કાર્ગો ઝૂંપડપટ્ટીમાં રહેતા 35 વર્ષીય ગીતાબેન કનુભાઇ દેવીપૂજક અને તેના પતિ અહીં કચરો વીણવાનું કામ કરે છે.

તા.5/6 ના રોજ બન્ને પતિ અને પત્ની ભચાઉના મોટી ચીરઇ ઓવરબ્રીજ પાસે કચરો વીણી રહ્યા હતા. બન્ને જણા કચરો પોતાના છકડામાં ઠાલવવા જઇ રહ્યા હતા તે દરમીયાન ગાંધીધામ થી ભચાઉ તરફ પૂરઝડપે જતી કારના ચાલકે તેમના પતિ કનુભાઇને અડફેટે લેતાં માથામાં તેમજ આખા શરીરે ગંભીર ઇજા પહોંચી હતી 108 મારફત પ્રથમ રામબાગ હોસ્પિટલ લઇ જવાયા બાદ વધુ સારવાર માટે તેને ભુખ લઇ જવાયો હતો પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં તેણે દમ તોડ્યો હતો. ગીતાબેને અકસ્માત સર્જનાર અજાણ્યા કાર ચાલક વિરૂધ્ધ ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પત્નીની નજર સામે પતિના મોતની આ ઘટનામાં ચાર નાના સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.

તો અંજારના સંઘડ રહેતા દેવજીભાઇ કમાભાઇ રાઠોડે આદિપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત સાંજે 6 વાગ્યાના અરસામાં તેમના કૌટુંબિક ભત્રીજા અશોક દાનાભાઇ રાઠોડ અને કેતન રવજીભાઇ રાઠોડ અંતરજાળ થી શિણાય વચ્ચે પગપાળા જઇ રહ્યા હતા તે દરમિયાન પૂરપાટ આવેલા કે.ટી.એમ.બાઇકના ચાલકે બન્નેને ટક્કર મારતાં અશોક દાનાભાઇ રાઠોડને અતિ ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું અને કેતન રવજીભાઇ રાઠોડને માથામા઼ તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આદિપુર પોલીસે અકસ્માત સર્જનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કાળીતલાવડીમાં લોડર તળે બાળકીને કચડનાર ઠેકેદાર સામે 27 દિ’ બાદ ગુનો
મૂળ મધ્યપ્રદેશના જાબુઆના નાગલખેડી ગામના અને હાલે કાળી તલાવડી ગામે આવેલી ઓમ ચાઈનાકલે ફેકટરીમાં રહેતા રમેશ મંગલીયા ભુરિયા (ઠાકોર)એ આરોપી લોડરના ચાલક અને ઓમ ચાઈનાકલે કંપનીના સુપરવાઈઝર મસૂલ ભગાભાઈ મેડા (દાહોદ) સામે ગુનો દાખલ કરાવ્યો હતો.આરોપીએ પોતાના કબજામાં રહેલુ લોડર રિવર્સમાં લઈ બેદરકારી અને ગફલતભરી રીતે હંકારીને ફરિયાદીની સુતેલી દિકરી 13 વર્ષીય સોનલ પર ચડાવી દેતા ગંભીર ઇજાઓના કારણે મોત આંબી ગયું હતું જ્યારે દીકરી કિંજલને ઇજાઓ થઈ હતી.આરોપીની બેદરકારીથી માસુમબાળાનું મોત થયું હતું.વતન ખાતે અંતિમવિધિ કર્યા બાદ આ પરિવાર પરત આવતા મોડેથી ફરિયાદ નોંધાઇ હતી.

ચોપડવા પાસે પરપ્રાંતિય યુવતી ટ્રેન નીચે કપાઇ
મુળ પશ્ચિમ બંગાળની હાલે ચોપડવા પાસે પ્લાયવુડ કંપનીમાં કામ કરતી 30 વર્ષીય નશીમા મોસેલમ મંડલ ગત સાંજે 6 વાગ્યા પહેલાં કોઇ પણ સમયે અગમ્ય કારણોસર ચોપડવા રેલ્વે ફાટક નજીક ટ્રેન નીચે આવી જતાં ઘટનાસ્થળે તેનું મોત નિપજ્યું હતું. નવકાર પ્લાયવુડ કંપનીમાં કામ કરતા તેની બહેનના પતિ મુશરફ જલાલુદ્દીન સરકટ તેનો મૃતદેહ ભચાઉ સીએચસી લઇ આવ્યા હતા. તમણે આપેલી વિગતો તબીબે ભચાઉ પોલીસ મથકને આપતાં આ ઘટના અકસ્માત છે કે આત્મહત્યા તે જાણવા પીએસઆઇ વી.પી.આહીરે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...