રહેવાસીઓમાં ભારે ફફડાટ:વ્યંઢળના સ્વાંગમાં સાડી પહેરીને પુરૂષ રૂપિયા માગવા ઘરમાં ઘુસી જતા હંગામો

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજના પ્રમુખ સ્વામીનગરમાં નારાયણ એવન્યુ 1 સોસાયટીમાં મારી રહ્યા છે લટાર
  • ઘરમાં એકલી મહિલાને જોઇ દરવાજાને ધક્કો મારી અંદર પ્રવેશ્યો, રાડારાડ થતાં નાસી ગયો

છેલ્લા ચારેક દિવસથી ભુજના પ્રમુખ સ્વામીનગરના નાયરાણ એવન્યુ-1 સોસાયટીમાં સાડી પહેરી વ્યંઢળના સ્વાંગમાં રૂપિયા માંગવા ફરતા પુરૂષને લઇ ભારે ચકચાર જાગી છે. ઘરો-ઘર રૂપિયા લેવા ફરી રેકી કરતો હોવાનું અને એકલી મહિલા હોય તો, ઘરમાં બળજબરી ઘુસી જવાનો બનાવ સામે આવ્યો છે. જો કે, મહિલાએ રાડા રાડ કરી મુકતાં ભાગીને શેરી બહાર રાખેલા બાઇક પર નાસી ગયો હતો. બનાવને પગલે રહેવાસીઓમાં ભારે ફફડાટ ફેલાઇ ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત સોમવારે બપોરના સમય દરમિયાન પ્રમુખ સ્વામીનગરમાં આવેલી સ્વામી નારાયણ એવન્યું 1 નામની સોસાયટીમાં વ્યંઢળ જેવો લાગતો એક વ્યક્તિ રૂપિયા લેવાના બહાને આવ્યો હતો. ઘરે ઘરે રૂપિયા માંગી રહ્યો હતો. ઘરમાં રહેલી કેટલીક મહિલાએ વ્યંઢળ સમજીને રૂપિયા પણ આપ્યા હતા. જ્યારે એક મકાનમાં કોઇ પુરૂષ હાજર ન હતા માત્ર એક મહિલા જ હતી. તેણીએ વ્યંઢળને રૂપિયા દેવાની ના કહી ઘરનો દરવાજો બંધ કરવા જતા સાડી પહેરેલા વ્યંઢળ બનેલા પુરૂષે ઘરના દરવાજાને બળજબરી પૂર્વક ધક્કો માર્યો અને ઘરની અંદર આવી ગયો હતો.

જેથી ગભરાયેલી આ મહિલાએ રાડા રાડ કરતા ઘરની આસપાસની મહિલાઓ આવી જતા અજાણ્યો પુરૂષ ભાગીને આગળ રોડ પરથી મોટર સાઇકલથી ભાગી ગયો હતો .તો અન્ય એક ઘરમાં સુખશાંતિ અને સંપતિ માટે મેલી વિધિ કરાવાનું કહી પૂજા કરવી પડશે તેવું કહી મેલી વિદ્યાનો પ્રયાસ કર્યો હતો. પણ મહિલા તેની વાતમાં ન આવતાં સફળ થયો ન હતો. વ્યંઢળ જેવા સ્વાંગમાં ફરતો આ વ્યકિત બે-ત્રણ દિવસથી સોસાયટીમાં ફરી રહ્યો હોવાનું રહેવાસીઓમાં ચર્ચાઈ રહ્યું છે .

બપોરના સમયમાં કે જ્યારે મોટા ભાગે પુરૂષ નોકરીના સ્થળે કે વ્યવસાય સ્થાન હોવાથી ઘરમાં મહિલાઓ એકલી હોય ત્યારે જ આવા અનેક લેભાગુ સોસાયટી વિસ્તારોમાં લટાર મારીને રેકી સાથે પોતાનો મલીન મનશુબો પાર પાડી રહ્યા છે. ત્યારે આવા શકમંદો, લેભાગુઓ પર સોસાયટીમાં પ્રવેશવા રોક લગાવી જોઇએ જેથી રહેવાસીઓ સાથે કોઇ અઘટીત ઘટના ન બને તે જરૂરી છે.

અગાઉ મહિલાની બંગડી ઉતારી જવાનો બન્યો હતો બનાવ
અગાઉ પ્રમુખ સ્વામીનગરમાં જ આવા લેભાગુ શખ્સ દ્વારા ઘરમાં મહિલાને એકલી ભાળીને પ્રથમ પાણી પીવાની માગણી કરી હતી. પાણી પીધા બાદ હિપ્નોટાઇઝ કરીને મહિલાના હાથમાં પહેરેલી સોનાની બંગડી ઉતારી જવાની ઘટના બની હતી.

અન્ય સમાચારો પણ છે...