રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ગાંધીધામ તાલુકાના પડાના ગામ પાસે આજે સવારે સવા અગિયાર વાગ્યે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પરની હડફેટે ક્ષત્રિય જ્ઞાતિના મહિલા અને બાળકના સ્થળ પર જ કમકમાટીભર્યાં મૃત્યુ નીપજ્યાં હતાં. બંન્ને હતભાગી બસમાંથી ઉતર્યા બાદ હાઇવે ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે પૂરઝડપે આવતાં ડમ્પરની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા પામ્યાં હતાં. બંન્નેને રામબાગ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
ગાંધીધામ બી ડિવિઝન મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ રાપર તાલુકાના હમીરસર ગામના 60 વર્ષીય ગનુંબા ઘોઘુભા જાડેજા અને 7 વર્ષીય ક્રિપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા બંન્ને બહારથી બસ મારફતે પડાના પહોંચ્યા હતા. જ્યાં તેઓ નિયત સ્થળે જવા માટે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે ડમ્પર નંબર GJ11 TT 9711 વાળાની હડફેટે ચડી જતા તેઓ ગંભીર ઈજાઓ પામ્યા હતા. તેમને આદિપુરની રામબાગ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંન્નેને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પીએસઆઇ આર કે દેસાઈએ આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.