આજે વિશ્વપર્વત દિવસની ઠેર ઠેર ઉજવણી થઇ રહી છે,ત્યારે મરું,મેરુ અને મહેરામણની ભૂમિ કચ્છની ખાસિયત રહી છે કે અહીંના ટોચના અને ખ્યાતનામ પર્વતો પર ઈશ્વરીય શક્તિ બિરાજમાન છે.આ સંયોગ અનોખો પણ છે અને અનેરો પણ.કચ્છના સૌથી ઊંચા ડુંગર કાળાડુંગર પર દત્ત ભગવાનના બેસણા છે,૪૬૨ મીટર ઊંચો આ ડુંગર પ્રવાસનના નકશામાં અનોખું સ્થાન પામી ચૂક્યો છે. ગુરુ દત્તાત્રયના ભક્તો અહીં માથું તેવા અચૂક આવે છે અને લોન્ગપ્રસાદ અહીંની ખાસિયત રહી છે. આ ડુંગર પરથી સફેદરણનો નજારો પ્રવાસીઓના મન મોહી લે છે.
ભુજમાં ભુજિયો ડુંગર આવેલો છે. ડુંગર પર કિલ્લાની સાથે ભુજંગ દેવનું મંદિર છે. અહીં નાગ પાંચમના મેળો ભરાય છે. ભુજ તાલુકાના કુકમા નજીક આવેલ ખાત્રોડ ડુંગરએ ભૂકંપની એક ફોલ્ટલાઇન છે,જેની વિસ્તરણ રેન્જ ખૂબ વિશાળ છે. આશાપુરા માતાજીના મંદિર અને ટોચ સુધી જવા બનેલા રસ્તાના કારણે આ સ્થાન પીકનીક હોટસ્પોટ બની ચૂક્યું છે તો અહીં ભરાતો મેળો આ વિસ્તારની સંસ્કૃતિ અને આસ્થાનું પ્રતીક બની ગયો છે. નખત્રાણા તાલુકાનો ધીણોધર ડુંગર મૃત જ્વાળામુખી છે.ધીણોધર સમુદ્ર સપાટીથી ૩૮૬ મીટર ઊંચાઈ ધરાવતો એક નિષ્ક્રિય જ્વાળામુખી પર્વત છે.
નખત્રાણાથી ૧૫ કિલોમીટર દૂર આવેલો ધીણોધર ડુંગર સામાન્ય રીતે કચ્છમાં પર્યટન અને ધાર્મિક સ્થળ તરીકે અનોખું સ્થાન ધરાવે છે.તળેટીમાં થાન જાગીરનું પણ અનોખું મહત્વ છે તો ટ્રેક માટે પણ લોકો આવતા હોય છે.ટોચમાં ધોરમનાથ દાદાનું સ્થાનક આવેલું છે. ખડીરમાં આવેલો ભંજણો ડુંગર ભાગોલીક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે.
ધોળાવીરાની સરહદનો અંતિમ ડુંગર અને આસ્થાસ્થાન,જ્યાં દર વર્ષે ઓગસ્ટમાં અહીં પાણી ભરાઈ જતા જાણે દરિયો સર્જાય છે.સાથો સાથ ટાપુનો નજારો પણ અલૌકિક હોય છે. ભુજથી ૨પ૦ કિમી દૂર ખડીરના ટાપુમાં રાજાશાહી વખતથી અહીં દર ભાદરવી પૂનમના લોકોમેળો ભરાય છે, જેમાં આખું ખડીર રંગેચંગે ઉમટી પડે છે. વરસાદી સમયગાળામાં જમીન સીમા અને ભંજણા વચ્ચે ૪ કિમી સુધી રણમાં પાણી ભરી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.