ભુજ-મુંબઈ વચ્ચે દોડતી ટ્રેનોમાં અવારનવાર પ્રવાસીઓની સલામતી અને સુરક્ષાનો મુદ્દો ઉઠતો રહે છે ત્યારે વધુ એક વખત મહિલા મુસાફરના ગળામાંથી ચેઇન ઝુંટવી લેવાઈ હતી.રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અનિતાબેન હિતેન્દ્રભાઈ ઝાલા (ઉ.વ.53,રહે.થાણે) ભુજ રેલવે સ્ટેશનથી ભુજ-બાન્દ્રા એકસપ્રેસના રીઝર્વ કોચમાં બેઠાં હતા.13મી નવેમ્બરના રોજ સવારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પહોંચી હતી.સવારે 5:20 વાગે ટ્રેન મુંબઇ તરફ જવા માટે ઉપડી હતી તે વેળા ઘંઉવર્ણનો એક યુવાન અનિતાબેને પહેરેલી રૂા.50 હજારની ચેઇન તોડીને ફરાર થઇ ગયો હતો.
અનિતાબેન ઝાલાએ જણાવ્યું હતું કે,હું અને પરિવારના સભ્યો એસ-3 કોચમાં મુસાફરી કરી રહ્યા હતા ટ્રેન થોડી ધીમી હતી ત્યારે એક યુવાન મારા ગળામાંથી ચેઇન તોડીને ચાલુ ટ્રેને કૂદી ગયો હતો મેં હોબાળો કર્યો હતો પણ અંધારામાં તે ફરાર થઇ ગયો હતો. ટીટીઈને જાણ કરતાં અંકલેશ્વરથી રેલવે પોલીસ આવી હતી અને ફરિયાદ લીધી હતી.તેમણે કહ્યું હતું કે અમારા કોચમાં ચોરીના બીજા બે બનાવ બન્યા હતા.ટ્રેનમાં અવારનવાર બનતા ચોરીના બનાવોને લઈને પેટ્રોલીંગનો દાવો કરતી રેલવે પોલીસ અને આરપીએફની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
ગઠિયો વેઇટિંગ ટિકિટ સાથે કોચમાં ચઢ્યો
ચાલુ ટ્રેને ચેઇન તોડી ટ્રેનમાંથી કૂદી પડનાર યુવક અમદાવાદથી ટ્રેનમાં બેઠો હતો,ટ્રેનના બંદોબસ્તના જવાને તેની પાસે ટિકિટ હોવાનું પુછતાં તેની પાસે વેઇટિંગ ટિકિટ હોવાનું જણાવ્યું હતું પણ તેની પાસે ટિકિટ હોવાની ખાતરી કરાઈ ન હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.