શહેરમાં જી.કે જનરલ હોસ્પિટલની સામે મહિલાની લાશ મૂકી જવાના ચર્ચાસ્પદ કેસમાં પધ્ધર પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.હાલ આ ગુનામાં આરોપી પતિ તેની દીકરીને લઈને નાસતો ફરે છે જેથી તેની શોધખોળ માટે ટીમો બનાવવામાં આવી છે.ભુજના સરવા મંડપમાં રહેતા અને મૂળ અબડાસાના મોટી સિંધોડીના 55 વર્ષીય બાંયાબાઈ આમદ સુમાર કોલીએ પધ્ધર પોલીસમાં હત્યાનો ગુનો દાખલ કરાવતા જણાવ્યું કે, તેમની દીકરી વાલબાઈના લગ્ન નલિયા રહેતા મુકેશ કોલી સાથે થયા હતા.ચાર મહિના પૂર્વે પતિ મુકેશ જોડે માથાકૂટ થતા વાલબાઈ રીસાઈને પિયરમાં આવી ગઈ હતી.વાલબાઈના ગૃહત્યાગના દોઢ મહિના બાદ મુકેશનું નિધન થઈ ગયું હતું.
દરમિયાન, વાલબાઈ જીઆઈડીસી ઝૂંપડપટ્ટીમાં રહેતા મેરામણ કોલીના પરિચયમાં આવી હતી અને તેની સાથે રહેતી હતી.જેની નોંધ પણ બી ડિવિઝન પોલીસમાં કરાવાઈ હતી.દરમ્યાન દોઢ મહિના અગાઉ મેરામણ વાલબાઈ સાથે કોટડા ચકાર ગામે રહેવા ગયો હતો.મેરામણ અને વાલબાઈ વચ્ચે બોલાચાલી અને તકરાર થતી હતી જે દિવસે બનાવ બન્યો ત્યારે મેરામણ અને તેની માતા રાણબાઈએ વાલબાઈને ઢોર માર માર્યો હતો.
જેના કારણે શરીરે નાની-મોટી આંતરિક અને બાહ્ય ગંભીર ઇજાઓ થતા મોત થયું હતું.જે બાદ લાશને જી.કે.જનરલ હોસ્પિટલની સામે જાહેરમાં રોડ પર મૂકી દઈ આરોપી મેરામણ તેની દીકરીને લઈને છુ થઈ ગયો હતો.બનાવ અંગે પધ્ધર પીએસઆઈ જે.ડી.સરવૈયાથી વાત કરતા તેમણે જણાવ્યું કે,મુખ્ય આરોપી મેરામણ છે જેની અટકાયત કરવા માટે વિવિધ ટીમો બનાવવામાં આવી છે.મેરામણ પકડાયા બાદ બનાવ કેવી રીતે બન્યો અને લાશ જાહેરમાં કેમ ફેંકાઇ તે સહિતના સવાલો પરથી પડદો ઉંચકાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.