ભચાઉના ખરોઇ પાસે આવેલા અમૃતબાગ રિસોર્ટમાં આજે રવિવારે બપોરે રાપરના હમીરપર ગામના પિતા અને પુત્ર ફરવા આવ્યાં હતા. ત્યારે 7 વર્ષીય એકનો એક પુત્ર હૃતિક બાળકોના હોજમાં ડૂબી ગયો હતો. જેથી બાળકને નજીકના પાંડયેના દવાખાને લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો, જેના પગલે પુત્રના મૃતદેહ સાથે પિતા તેમના ઘરે પરત ફર્યા હતા. રિસીર્ટના મેનેજર મહેશ શાહે બાળકનું મૃત્યુ શંકાસ્પદ હાલતમાં થયું હોવાનું જણાવ્યું હતું. જોકે, રિસોર્ટના જવાબદારો બનાવની વિગત આપતા ભાગી રહ્યા હતા અને એકમેક ઉપર જવાબદારી થોપી હતી.
બાળકને હોસ્પિટલે લઈ જવાતા તબીબે મૃત જાહેર કર્યો
આ બનાવની સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ખારોઇ ગામે આવેલા અમૃતબાગ રિસોર્ટ ખાતેના વોટર પાર્કમાં રવિવારની રજા માણવા રાપર તાલુકાના હમીરપર ગામના પટેલ સમાજના પિતા- પુત્ર આવ્યાં હતા. આ દરમ્યાન 7 વર્ષનો પુત્ર પાણીમાં ગરક થઈ જતા પિતાએ બુમાબુમ કરી મૂકી હતી. જેના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પુત્રને શોધી બહાર લાવ્યા હતા. જ્યાં પાણી પી ગયેલા બાળકને તુરંત બેહોશ અવસ્થામાં નજીકના ખાનગી દવાખાને સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જોકે, બનાવની જાણ પોલોસમાં ના કરતા પોલીસ દફતરે કોઈ નોંધ થઈ નથી. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ વિજ વિભાગ દ્વારા આ રિસોર્ટમાં રૂ. 30 લાખની ચોરી પકડી પાડવામાં આવી હતી. અલબત્ત હતભાગી બાળકના કાકા કારુંભાઈ પટેલે તેમના ભત્રીજાનું મૃત્યુ ખરોઈના વોટર પાર્કમાંજ ડૂબી જવાથી થયું હોવાનું અને આ માટે પોલીસ ફરિયાદ કરવાની કામગીરી ચાલુમાં હોવાનું જણાવ્યું હોવાનું રાપરના દિપુભા જાડેજાએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.