જસ્ટિસ ફોર દેવરામ:કચ્છી લેવા પટેલ નર્સિંગ કોલેજના 20 વર્ષીય વિદ્યાર્થીએ પેટ્રોલ છાંટી આપઘાત કરી લીધો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મૃતક છાત્ર - Divya Bhaskar
મૃતક છાત્ર
  • વિદ્યાર્થીઓનો આક્ષેપ - પ્રિન્સિપાલ અને પ્રોફેસરના માનસિક ટોર્ચરથી ભુજમાં પગલું ભર્યું : અમદાવાદમાં મોત
  • સતત 8 કલાક સુધી સહપાઠી છાત્રોએ કોલેજ સંકુલમાં દેખાવો કર્યા

શહેરના હરિપર રોડ પર આવેલી કચ્છી લેવા પટેલ સમાજ સંચાલિત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે, પ્રિન્સિપાલ અને પ્રોફેસરના ત્રાસથી છાત્રએ આ પગલું ભર્યું છે. જેથી બુધવારે ઉઘડતા દિવસે વિદ્યાર્થીઓએ સતત 8 કલાક સુધી દેખાવો કર્યા હતા અને પ્રિન્સિપાલ અને પ્રોફેસરને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. જેના પગલે ટ્રસ્ટના સત્તાધિશોએ કાર્યવાહીની ખાતરી આપી બંને આક્ષેપિતને હાલ કોલેજમાં ન આવવા લેખિતમાં જણાવી દીધું છે. સવારે ધરણા બાદ સાંજે વિદ્યાર્થીઓએ હમીરસર તળાવ પાસે કેન્ડલ માર્ચ યોજી હતી. સહપાઠી છાત્રો અને પરિવારજનો દ્વારા દેવરામને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ, ગત 29 ડિસેમ્બરના હરિપર પટેલવાસમાં રહેતા અને હરીપર રોડ પર આવેલ કચ્છી લેવા પટેલ નર્સિંગ ઈન્સ્ટિટ્યુટ ખાતે અભ્યાસ કરતા ખડીરના 20 વર્ષીય દેવરામ ગણેશાભાઈ વરચંદે પોતાની રૂમમાં બપોરે 4.30 વાગ્યાના અરસામાં પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કરી લીધો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો પણ 60 ટકા દાઝી ગયો હોવાથી અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સોમવારે 2 તારીખે મોત થયું હતું. જેની જાણ થતા પરિવારની સાથે વિદ્યાર્થીઓમાં પણ શોક સાથે અરેરાટી છવાઈ ગઈ હતી.

દેવરામના મોત બાદ નર્સિંગ કોલેજના સહપાઠીઓમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો હતો. બુધવારે સવારે વિદ્યાર્થીઓએ કોલેજના મેઇન ગેટની બહાર દેખાવો કર્યા ત્યારે તેઓને અંદર પ્રવેશવા દેવાયાન હતા, બાદમાં અંદર એન્ટ્રી અપાઈ હતી. વિદ્યાર્થીઓએ હાથમાં જસ્ટિસ ફોર દેવરામના બેનર રાખી સૂત્રોચ્ચાર કર્યા હતા.

સહપાઠી છાત્રોનો આક્ષેપ છે કે,કોલેજના પ્રિન્સિપાલ પુનિત જૈન અને પ્રોફેસર પૂજા મારૂ દ્વારા માનસિક ત્રાસ અપાયો હતો. દેવરામને આત્મહત્યા માટે મજબૂર કરનાર વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા અને કોલેજમાંથી બરતરફ કરી દેવા માંગ કરાઈ હતી. એબીવીપીના કાર્યકરોએ સતત 8 કલાક સુધી ધરણાં કર્યા બાદ આખરે કોલેજ પ્રશાસને બંને આક્ષેપિત સામે કાર્યવાહી કરવાની બાંયધરી આપી હતી જે બાદ મામલો થાળે પડ્યો હતો. બંદોબસ્ત માટે બી ડિવિઝનની પોલીસ ટુકડી પણ કોલેજમાં દોડી આવી હતી.

જવાબદાર હોય તેની સામે પગલાં લેવાય તેના પક્ષમાં છીએ : કોલેજ ટ્રસ્ટ
દરમ્યાન કચ્છી લેવા પટેલ નર્સિંગ ઇન્સ્ટીટ્યુટ ઓફ એજ્યુકેશન એન્ડ પ્રેક્ટીસ કોલેજ દ્વારા અખબારી યાદીમાં જણાવાયુ કે, છાત્રના અવસાનથી સંસ્થાને દુ:ખ છે. નિયમોનુસાર જાણ વગર ગેરહાજર રહેનાર છાત્ર-છાત્રાઓના વાલીને જાણ કરવામાં આવે છે તે અનુસાર તે દિવસે સદ્દગત દેવરામભાઈ અને તેના મિત્ર જાણ વગર કોલેજ ન આવતાં કોલેજમાંથી તેમને ટેલિફોનીક જાણ કરાઈ હતી. બીજા દિવસે તેઓ આવ્યા ત્યારે પ્રીન્સીપાલે પૂછતાં છાત્રે કબુલાત કરી કે પ્રિસ્ક્રિપ્શનની ચિઠ્ઠી અમે જાતે લખી છે. ડોક્ટરની દવાના ખોટા આધાર રજુ કર્યો હોઈ અને જાણ વગર ગેરહાજર રહેવા સંદર્ભે પિતાને ટેલીફોનીક જાણ કરી રૂબરૂ મળવા કહ્યું હતું. આત્મદાહની ઘટનાની જાણ કોલેજને બીજા દિવસે થઇ હતી ત્યારે વાલી સાથે પ્રિન્સિપાલે ટેલીફોનીક સંપર્ક કર્યો ત્યારે વાલીએ ઘટના સંબધે કોલેજનો કોઈ ચૂક હોવાનું કહ્યુ ન હતું. વિદ્યાર્થીઓએ શિક્ષણ બહિષ્કાર કરતા કોલેજે બંન્ને કર્મીઓને પુરતી તપાસ પછી જવાબદાર જણાય તો ફરજ મોકુફીની લેખિત ખાત્રી આપી હતી. પોલીસ સી.સી.ટી.વી. ફૂટેજ સહીત તપાસ કરી રહી છે. જવાબદાર હોય તેની સામે પગલાં લેવાય તેના પક્ષમાં છીએ.જિલ્લા પોલીસ અધિક્ષકને રૂબરૂ મળી ઘટનાથી વાકેફ કર્યા હતા.

કોલેજ પાસેથી અહેવાલ માગવામાં આવશે : રજિસ્ટ્રાર
ઘટના દુઃખદ છે. બુધવારે સાંજ સુધી યુનિવર્સિટીને કોઈ લેખિત જાણ કરવામાં આવી નથી. આજે કોલેજ પાસેથી તપાસ અહેવાલ માંગવામાં આવશે અને નિયમોનુસારની કાર્યવાહી થશે. > પ્રો.ઘનશ્યામ બુટાણી,રજિસ્ટ્રાર કચ્છ યુનિવર્સિટી

અકસ્માત મોતનો ગુનો આજે દાખલ થશે, પૂછપરછ કરાઈ છે : PI
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2 તારીખે દેવરામનું મોત થયું છે અને સ્ટાફને એડી સંબધિત કાગળો લેવા અમદાવાદ મોકલવામાં આવ્યા છે. જ્યાંથી કાગળો આવી જતા ગુરુવારે એડી દાખલ કરવામાં આવશે. છાત્રોએ દેખાવ અને આક્ષેપ કર્યા હોવાથી બુધવારે સંબધિતોની પૂછપરછ કરાઈ હતી. > કે.સી.વાઘેલા, પીઆઇ ભુજ બી ડિવિઝન

ત્રાસ નથી આપ્યો, માત્ર સમજાવ્યો હતો : પ્રિન્સિપાલનો પ્રતિભાવ
દેવરામ 28મી ડિસેમ્બરે કોલેજમાં ગેરહાજર હતો જેથી કોલેજના નિયમો મુજબ તેને ફોન કરાયો હતો ત્યારે તેણે તાવ આવ્યો હોવાથી કોલેજમાં આવ્યો નથી તેમ જણાવ્યું હતું. બીજા દિવસે આવ્યો ત્યારે પ્રિસ્ક્રિપ્શન બતાવતા તેમાં ડોલો-650 અને સીપીએમ ગોળી લખેલી હતી. જે બંને તાવની છે તેણે કહ્યું કે,મેં આ ગોળી નથી લીધી પણ બીજી લીધી છે. ખોટું બોલતો હોવાથી સમજાવ્યો હતો. ત્રાસ અપાયાની વાત ખોટી છે. > પુનિત ગંગાવત, પ્રિન્સીપાલ

આપઘાત પહેલા દીકરાએ ફોન કરી ખૂબ ત્રાસ અપાતો હોવાનું કહેતા સમજાવ્યો હતો : પિતા
હતભાગીના પિતા ગણેશભાઈ વરચંદે એસપીને કરેલી લેખિત રજુઆતમાં જણાવ્યું કે, 29 તારીખે બપોરે 3:30 ની આસપાસ પુત્રએ ફોન કરી મેડમ અને પ્રિન્સિપાલ ત્રાસ આપતા હોવાનું જણાવ્યું હતું ત્યારે રૂબરૂ આવીશ અને બધાને સમજાવીશ તેવી ખાતરી આપી હતી, પણ તે ગભરાયેલો હતો અને બાદમાં આપઘાત કરી લીધો. ફરિયાદ કરવા માટે ભુજ બી ડિવિઝનમાં જાણ કરવા છતાં પોલીસે ફરિયાદ દાખલ કરી નથી. ગંભીર મેટરને દબાવવા ફોન કરીને કાંઈ કરતા નહિ નહીતો મજા નહીં આવે તેવી ધમકીઓ મળતી હોવાનો દાવો લેખિત રજૂઆતમાં કરી કાર્યવાહીની માંગ કરાઈ છે.

કોલેજે કમિટી બનાવી છે : ટ્રસ્ટી
ઘટનાની તપાસ કરવા માટે કમિટી બનાવવામાં આવી છે તેમજ બંને આક્ષેપિતને હાલ કોલેજ ન આવવા જણાવાયું છે,તપાસ રિપોર્ટ આવ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવશે. > ગોપાલ ગોરસીયા, ટ્રસ્ટી

અન્ય સમાચારો પણ છે...