આત્મહત્યા:જુણાગીયા નજીક સીમાડામાં 15 વર્ષીય સગીરનો ફાંસો ખાઇ આપઘાત

દયાપર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘેર ખેતરે જવાનું કહી નિકળ્યો ને, બીજા દિવસે ઝાડ પર લટકતી લાશ મળી
  • નવમાં ધોરણમાં અભ્યાસ કરતા છાત્રના આપઘાત પાછળનું કારણ અકબંધ

લખપત તાલુકાના જુણાગીયા ગામ નજીકના સીમામાં આવેલા એક ખેતરના શેઢા પર ઝાડમાં દોરી બાંધીને નવમાં ધોરણમાં અભ્યાસ કરતા 15 વર્ષના સગીરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનો અને સગાસબંધીઓમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જુણાગીયા ગામે રહેતા ખીમજીભાઈ પુનાભાઈ જેપારના 15 વર્ષીય પુત્ર જીતેન્દ્ર ગામ નજીક આવેલા રાજગોર હંસરાજભાઈ રતનશીના ખેતરના શેઢે મીઠી જાડીની ડાળીમાં રસ્સો બાંધીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે મળેલી વિગતો મુજબ હતભાગી જીતેન્દ્ર ગુરૂવારે બપોરના અરસામાં પોતાના ઘરે લોકોને ખેતરે જવાનું કંઈ નીકળી ગયો હતો.

જોકે મોડી સાંજ સુધી પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ રાતભર ક્યાંય તેનો અતોપતો લાગ્યો ન હતો. અને બીજે દિવસે સવારના અરસામાં તે ગામથી એકાદ કિલોમીટર દૂર આવેલા ખેતરના શેઢા પર આવેલા એક ઝાડમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

હતભાગીને દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગેની જાણ દયાપાર પોલીસ મથકને કરાઇ હતી. જીતેન્દ્રએ આત્મઘાતી પગલું શા માટે ભર્યું તે કારણ જાણવા મળેલ નથી પરંતુ પોલીસે અગમ્ય કારણોસર આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકના પિતા ખીમજીભાઇ પુનાભાઈ જેપારને સંતાનમાં ચાર દિકરીઓ તેમજ ત્રણ પુત્રો પૈકી સૌથી નાનો પુત્ર જીતેન્દ્ર નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. હતભાગી જીતેન્દ્રએ આત્માઘાતી પગલું ભરી લેતાં પરિવારમાં આભ તૂટી પડયું છે.

અન્ય સમાચારો પણ છે...