14મી વિધાનસભામાં કચ્છની છ બેઠક માટે આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિને ચિત્ર સ્પષ્ટ થયં હતું. જિલ્લામાં હવે કુલ 19 અપક્ષ સહિત વિવિધ રાજકીય પક્ષોના મળીને 55 ઉમેદવાર જંગે મેદાનમાં છે, તા. 1-12ના મતદાન થશે અને 8મી ડિસેમ્બરે આ જંગના અંતિમ છ વિજેતા જોહર થશે.
વર્ષ 2017ની સામાન્ય ચૂંટણી વખતે 43 અપક્ષ સહિત 80 મુરતિયાઅોઅે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું. જો કે, અા વખતે 2017ની સ્થિતિઅે નામાંકનપત્રો જ અોછા ભરાયા હતા ત્યારબાદ ફોર્મ રદ થવાની સાથે તા.17-11, ગુરૂવારે 17 ઉમેદવારોઅે ચૂંટણી જંગમાંથી પાછીપાની કરી ઉમેદવારીપત્રો પરત ખેંચતા ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને હવે 19 અપક્ષ મળી 55 ઉમેદવારો મેદાને છે. ફોર્મ ચકાસણી દરમ્યાન 20 નામાંકનપત્રો રદ થતાં 92માંથી 72 હરીફો હતા. જો કે, ગુરૂવારે 17 મુરતિયાઓએ ઉમેદવારીપત્રો પાછા ખેંચી લેતાં હવે 55 ઉમેદવારો મેદાને છે.
આ સાથે ચિત્ર સ્પષ્ટ થઇ જતાં સંબંધિત ઉમેદવારોને ચૂંટણી પ્રતીક ફાળવવામાં આવ્યા છે, જેમાં કમળ, હાથ, હાથી, ઝાડુ, પતંગ, ઘડો, ખાટલો, પ્રેશરકુકર, સીવવાનો સંચો, ઓટો રિક્ષા, ટ્રક, કાતર, ચિમની, ફૂટબોલ, કપ અને રકાબી, કેમેરો, હેલ્મેટ, દુરબીન, માઇક વગેરેનો સમાવેશ થાય છે.કચ્છમાં ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવી છે, જેથી 6 બેઠકો પર ત્રિપાંખિયો જંગ તો જામશે.
વધુમાં બહુજન સમાજ પાર્ટી, અોલ ઇન્ડિયા મજલીસ-અે-ઇત્તેહાદુલ મુસલમીન અને અમુક અપક્ષ ઉમેદવારો પણ ભાજપ-કોંગ્રેસની મત બેન્કમાં ગાબડું પાડશે. વિધાનસભાની સામાન્ય ચૂંટણીને લઇને થનારા મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે અને તંત્ર સજ્જ છે તે વચ્ચે રાજકીય પક્ષો અને ઉમેદવારોએ પણ પ્રસારને વેગવંતો બનાવ્યો છે અને કચ્છના અંતરિયાળ ગામોમાં પણ ચૂંટણીરૂપી ગરમાવો જોવા મળી રહ્યો છે.
મત વિસ્તારવાર આખરી ઉમેદવાર
માંડવી-મુન્દ્રા બેઠક ત્રણ પક્ષો વચ્ચે થશે ખેંચતાણ
મુન્દ્રા : ઔદ્યોગિક હબ ગણાતી માંડવી-મુન્દ્રા બેઠક પર 14 ઉમેદવારોમાંથી 6 એ ઉમેદવારી પરત ખેંચતા અપેક્ષિત 8 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે, જેમાંથી મુખ્ય પક્ષની શ્રેણીમાં આવતા સત્તાપક્ષ ભાજપ, વિપક્ષ કોંગ્રેસ અને હાલના પ્રતિસ્પર્ધક આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ થવાનું ચિત્ર સપાટીએ તરી આવ્યું છે. અત્રે નોંધનીય છે કે, ભૂતકાળનો ઘટનાક્રમ જોતાં મુન્દ્રા માંડવીની સંયુક્ત બેઠક પર માંડવીમાં સત્તાપક્ષ ભાજપનો હાથ ઉપર રહ્યો છે, જયારે મુન્દ્રામાં પાતળી સરસાઈથી કોંગ્રેસ આગળ રહી માંડવીમાં પછડાટ પામી છે. ઉપરાંત હાલ જોરશોરના પ્રચાર થકી ત્રીજા સ્પર્ધક તરીકે આમ આદમી પાર્ટી ઉભરી આવી છે ત્યારે ઔદ્યોગિક નગરીમાં ઉપરોક્ત ત્રણ પક્ષો વચ્ચે ખેંચતાણ થવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉપરાંત AIMIM ના ઉમેદવાર મુસ્લિમ વોટબેંક પર તરાપ મારી ત્રણે પક્ષોના સમીકરણો બદલવામાં નિમિત્ત બનશે તેવો મત બુદ્ધિજીવીઓ વ્યક્ત કરી રહ્યા છે. તે સિવાય મેદાનમાં રહેલા બહુજન સમાજ પાર્ટી, પ્રજા વિજય પક્ષ અને બે અપક્ષો કેટલું કાંઠુ કાઢે છે તે જોવું રહ્યું.
વર્તમાન સ્થિતિએ મુરતિયા | ||
વિધાનસભા | અપક્ષ | કુલ |
અબડાસા | 4 | 10 |
માંડવી | 2 | 8 |
ભુજ | 3 | 10 |
અંજાર | 1 | 7 |
ગાંધીધામ | 2 | 9 |
રાપર | 7 | 11 |
કુલ | 19 | 55 |
2017ની સ્થિતિએ ઉમેદવારો | ||
વિધાનસભા | અપક્ષ | કુલ |
અબડાસા | 5 | 11 |
માંડવી | 11 | 17 |
ભુજ | 8 | 13 |
અંજાર | 7 | 12 |
ગાંધીધામ | 6 | 14 |
રાપર | 6 | 13 |
કુલ | 43 | 80 |
હાસ્ય કલાકારની રમુજ : પનુડાએ ફોર્મ પાછું ખેંચ્યું
હાસ્ય કલાકાર વસંત મોરારજી બોડા (પનુડા)અે જાણે રમૂજ કર્યું હોય તેમ ભુજ વિધાનસભા બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યા બાદ દાવેદારી પરત ખેંચવાના દિવસે ગુરૂવારે ફોર્મ પરત ખેંચી લીધું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.