વિજિલન્સનો સપાટો:કચ્છમાં 4 દિનમાં જ 82.97 લાખની વિદ્યુત ચોરી પકડાઇ

ભુજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભુજ, મુન્દ્રા, માંડવી, ખાવડા, ભુજોડી, માધાપરમા ચેકીંગ ઝૂંબેશ આદરાઇ

રાજકોટની વિદ્યુત કચેરીથી આવેલી વિજિલન્સની ટીમોએ કચ્છમાં વિવિધ સ્થળે ચેકિંગ હાથ ધરી ચાર દિવસમાં 82.97 લાખ જેટલી વીજ ચોરી પકડી પાડતાં વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. ભુજ, મુન્દ્રા, માંડવી, ખાવડા, માધાપર અને ભુજોડી સહિતના વિસ્તારોમાં ત્રાટકેલી ટુકડીઓએ ઘર વપરાશ અને વાણિજ્યિક હેતુના જોડાણો ચકાસીને ચોરી પકડી પાડી હતી.

ચાલુ માસની બીજી તારીખથી શરૂ થયેલી ઝુંબેશના પ્રથમ દિવસે મુન્દ્રા અને માંડવી વિસ્તારમાં ઘર વપરાશના 585 અને કોમર્શિયલ 80 મળીને 665 જોડાણ ચકાસાયા હતા જે પૈકી 63 કનેક્શનમાં 10.95 લાખની વીજ ચોરી પકડાઇ હતી. મંગળવારની રજા બાદ બુધવારે જારી રહેલા અભિયાનમાં નખત્રાણા, દયાપર અને રવાપરમાં રેસિડેન્સિયલ 654 અને કોમર્શિયલ 10 સહિત 664 કનેક્શનની ચકાસણી કરાઇ હતી જેમાં 63 જોડાણમાં બિન અધિકૃત રીતે વીજ વપરાશ થતો હોવાનું જણાતાં 12.96 લાખના દંડ સહિતના બિલ ફટકારાયા હતા.

ગુરૂવારે ભુજ શહેર, માધાપર અને ખાવડામાં ત્રાટકેલી વિજિલન્સ ટુકડીઓએ ઘર વપરાશના 728 અને વાણિજ્યિક હેતુવાળા 71 મળી 799 જેટલા કનેક્શનનું ચેકિંગ કર્યું હતું જેમાં 69 ગ્રાહકો વીજ ચોરી કરતાં પકડાયા હતા અને 32.96 લાખના બિલ ફટકારાયા હતા. શુક્રવારે ભુજના ગ્રામ્ય વિસ્તારો અને ભુજોડીમાં ઝુંબેશ આગળ ધપાવતાં રેસિડન્સિયલ 726 અને કોમર્શિયલ 13 મળી વધુ 739 જોડાણ ચકાસાયા હતા જે પૈકી 70 વપરાશકારોને 26.10 લાખના વીજ ચોરીના બિલ આપવામાં આવ્યા હતા.

આમ ચાર દિવસમાં ઘર વપરાશના 2693 અને વાણિજ્યિક 174 મળી કુલ 2867 કનેક્શન ચકાસાયા હતા તે દરમિયાન ઘર વપરાશના 253 અને કોમર્શિયલ કેટેગરીના 12 મળી 265 કનેક્શનમાંથી 82.97 લાખની વીજ ચોરી પકડી પાડવમાં આવી હતી. ડ્રાઇવ દરમિયાન ભુજ વિભાગીય વીજ કચેરીની ટીમો વિજિલન્સ ટુકડીની સાથે રહી હતી. આગામી દિવસોમાં પણ ઝુંબેશ જારી રહેશે.

અન્ય સમાચારો પણ છે...