કચ્છમાં જુદી જુદી જગ્યાએ બનેલી 7 અકસ્માત અને અપમૃત્યુની ઘટનામાં 2 મહિલાઓ સહિત 6 માનવ જીંદગી પર પુર્ણ વિરામ મુકાઇ ગયો હતો. તો સાપેડા પાસે બે કાર ટકરાતાં દંપતિ ઇજાગ્રસ્ત થયું હતું.
માનગઢ પાટિયા પાસે કાર પલટી જતાં એકનો જીવ ગયો, એક ઇજાગ્રસ્ત
આડેસરના ખરવાડ વિસ્તારમાં રહેતા માદેવાભાઇ પરબતભાઇ મકવાણાએ તા.5/5 ના બનેલી ઘટના બાબતે ફરીયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે, સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં અર્ટિકા કાર માનગઢ પાટિયા પાસે પલટી ખાઇ જતાં તેમાં સવાર ભરતમાઇને ગંભીર ઇજા પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું, તો કૈલાશ ઉર્ફે શ઼કરભાઇને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેમણે અર્ટિકા કારના ચાલક નાથાભાઇ પેથાભાઇ મકવાણા વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.
ખેડોઇ રોડ પર બાઈક અકસ્માતમાં ઘાયલ યુવાને સારવાર દરમ્યાન દમ તોડ્યો
અંજાર-ખેડોઇ રોડ પર બાઈક અકસ્માતમાં ઘાયલ થયેલા યુવાને સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો. ખેડોઇની બાલમંદિરના બાજુમાં રહેતો 35 વર્ષીય મૃતક હરેશ ખીમજીભાઈ બડીયા અંજાર-ખેડોઇ રોડ પર સિનુગ્રા પાસેની મોમાઈ હોટલ પાસે અકસ્માતનો ભોગ બન્યો હતો. જેથી તેને પ્રથમ અંજાર અને બાદમાં વધુ સારવાર માટે ભુજ રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં તા. 18/5ના સારવાર દરમ્યાન તે મૃત્યુ પામ્યો હતો. જે બાબતની જાણ અંજાર પોલીસને કરવામાં આવતા પોલીસે જાણવાજોગ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
જંગીમાં પતિએ લગ્નમાં જવાની ના પાડતાં પત્નીએ ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
ભચાઉ તાલુકાના જંગી ગામે રહેતી 22 વર્ષિય પરિણીતા રમીલાબેન નાનજીભાઈ પરમારે ગઈકાલે બપોરે ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો, તેમના જેઠ પ્રભુ મોમાયાભાઈ પરમાર મૃતદેહ લાકડીયા સીએચસી ખાતે લઇ જવાયા બાદ ઘટના અંગે સામખિયાળી પોલીસેને જાણ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક રમીલાને સંબંધીના લગ્નપ્રસંગમાં જવું હતું પરંતુ પતિ પાસે પૈસા ના હોઈ તેણે લગ્નમાં જવાનો ઈન્કાર કર્યો હતો. જેથી રમીલાને લાગી આવ્યું હતું અને તેણે ફાંસો ખાઈ અંતિમ પગલું ભરી લીધું હતું. રમીલાના અને નાનજી નો લગ્નગાળો 8 વર્ષનો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
મુન્દ્રા પોર્ટ પર ટ્રકના ટાયર નીચે ચગદાઇ જતાં ચાલકનું મોત
મુળ રાજસ્થાનના બીકાનેર ગામના ટ્રક ચાલક રામસિઘ પોતાના કબજાની ટ્રક નીચે મુન્દ્રા પોર્ટ નજીક આશાપુરા કેન્ટીન સામે ગુરૂવારે સવારે ટ્રક નીચે કામ કરી રહ્યો હતો. ત્યાર ઓચીંતી ટ્રક ચાલુ થઇ જતાં રામસિંઘના શરીર પર ટ્રકનું ટાયર ચડી જતાં પ્રથમ સારવાર મુન્દ્રા અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જી.કે.માં દાખલ કરાતાં સારવાર દરમિયાન બપોરે આખરી શ્વાસ લીધો હતો. મુન્દ્રા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે
વીસાસર વાંઢમાં એસિડ પી લેનાર યુવતીનું સારવાર દરમિયાન મોત
રાપર તાલુકાના બેલા પાસે આવેલી વીસાસર વાંઢમાં રહેતી 18 વર્ષીય યુવતી મનિષાબેન પ્રકાશભાઇ બગડાએ તા.17/5 ના રોજ પોતાના ઘરે એસિડ પી લેતાં પ્રથમ તેમને રાપર હોસ્પિટલ લઇ જવાયા બાદ આદિપુર ડીવાઇન લાઇફ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે લઇ અવાઇ હતી. પરંતુ સારવાર દરમીયાન તેણે દમ તોડતાં આ બાબતે બાલાસર પોલીસ મથકને જાણ કરાતાં કારણ જાણવા પીએસઆઇ ડી.આર.ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે.
વરસામેડીમાં યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલ શાંતિધામ સેક્ટર 5માં રહેતો 23 વર્ષીય વિકાસ જીતેન્દ્ર પરદમ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે રસ્સી વડે પાંખમાં ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જે ઘટના બાદ તેને આદિપુરની રામબાગ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી પી.એમ. માટેની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના અંગે અંજાર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે
અંજાર-સાપેડા રોડ પર બે કાર ટકરાતાં દંપતિ ઘાયલ
અંજાર-સાપેડા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત થતા પતિ-પત્ની ઘાયલ થયા હતા. બનાવ અંગે બિલેશ્વર નગર, અંજારમાં રહેતા 35 વર્ષીય જીતેશભાઈ ધનંજયભાઈ દવેએ ફરિયાદ નોંધાવી હતી કે, સાપેડાના પેટ્રોલપંપ પાસે એક અર્ટીગા કારના ચાલકે ફરિયાદીની કાર સાથે અકસ્માત કરી તે નાસી ગયો હતો. આ બનાવમાં ફરિયાદીને અને તેમની પત્ની નિશાબેનને માથા અને શરીરના અન્ય ભાગોમાં ઈજાઓ પહોંચી હતી.
અબડાસાના બાંડિયા ગામના તળાવમાં ડુબી જતાં 12 વર્ષના છોકરાનું મોત
અબડાસા તાલુકાના બાંડિયા ગામે આવેલા તળાવમાં નાહવા ગેલા ત્રણથી ચાર છોકરાઓ પૈકી 12 વર્ષનો છોકરો ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતાં ગામ લોકોએ બહાર કાઢી હોસ્પિટલે લઇ જતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવને લઇ નાના એવા ગામમાં પરિવારજનો સહિતના લોકોમાં માતમ છવાઇ ગયો હતો.નલિયા પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર વી.આર.ઉલવાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, દુર્ઘટના બાંડિયા ગામે સવારે અગ્યારેક વાગ્યાના અરસામાં બની હતી.
12 વર્ષીય સમીર રઝાક સોહરા નામનો છોકરો તેમ અન્ય ત્રણેક છોકરા ગામના તળાવમાં નાહવા ગયા હતા. જ્યાં પાણીમાં રમતા રમતા દુર સુધી ગયા હતા. જેમાં સમીર ઉંડા પાણીમાં ગરકાવ થઇ જતાં અન્ય છોકરાઓએ દોડીને હતભાગીના પરિવારજનો સહિતનાઓને જાણ કરી હતી. પણ લોકો તળાવ પાસે પહોંચીને સમીરને બહાર કાઢી નલિયા સામૂહિક કેન્દ્ર ખાતે લઇ આવ્યા હતા. જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. પોલીસે પીએમ માટેની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.