ફરિયાદ:કોરોનામાં પાયમાલ બનેલા 300 લોકોને સરકારી લોન અપાવવા ક્વોટેશનના 6.60 લાખ લઈ ઠગ ફરાર

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સતત ત્રીજા દિવસે છેતરપિંડીની છઠી ફરિયાદ ભુજ એ ડિવિઝનમાં નોંધાઇ
  • નખત્રાણાની ભોગગ્રસ્ત મહિલા સાથે ભુજમાં બનેલા બનાવમાં એક વર્ષ બાદ નોંધાઇ ફોજદારી

શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ઠગાઈની અરજીઓનો નિકાલ કરવામાં આવતો હોવાથી 3 દિવસમાં છેતરપીંડીની છઠી ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. હવે કોરોનામાં આર્થીક રીતે પાયમાલ બનેલા લોકોને લોન આપવાના નામે 300 લોકો પાસેથી ફોર્મ ભરાવી રૂપિયા મેળવી 6.60 લાખનો ચુનો ચોપડવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે.

નખત્રાણાના જાડાઈ રોડ પર રહેતા કાંતાબેન મોહનભાઇ કોલીએ પોલીસમાં જણાવ્યું હતું કે,ગત તા.9/6/2021 તેમને કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો અને તેણે પોતાનું નામ મનોજ ઉપાધ્યાય જણાવી કહ્યું કે, પોતે ભારત સરકારના લોન વિભાગમાં પીડિત મહિલાઓ તથા ગરીબ મહિલાઓને પગભર કરવાના ઉદ્દેશથી જે સહાય આપવાની કામગીરી થાય છે તે ગ્રામીણ કક્ષા સુધી પહોંચે તેમાં દેખરેખની ફરજ બજાવે છે તાજેતરમાં કોરોના મહામારીને કારણે જે પરિવારો બેઘર થયા છે

આર્થિક પાયમાલીનો ભોગ બન્યા છે તેઓને પગભર કરવા માટે સરકારની યોજના અંતર્ગત સિલાઈ મશીન,કિચન સેટ,આત્મનિર્ભર લોન યોજના સહિતની લોન યોજનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે જો તમે તેનો લાભ લેવા માંગતા હો તો આધાર કાર્ડ, રાશન કાર્ડ, લાઈટ બિલ,પાણી વેરાની પહોંચ, પાસપોર્ટ સાઇઝના ફોટા આપવા પડશે તેમજ એક લોન 1,20,000ની અને બીજી લોન બ્યુટી પાર્લરની કીટ માટે 30,000 રૂપિયાની મળશે તેવું જણાવી 1.20 લાખ રૂપિયાની લોન પાસ કરવા માટે વ્યક્તિદીઠ 1250 રૂપિયા તથા એક લાખ રૂપિયાની લોન માટે 800 રૂપિયા અને 30 હજારની લોન માટે વ્યક્તિ દીઠ 500 રૂપિયા ક્વોટેશન પેટે આપવા પડશે.

જેથી ફરિયાદીએ સગા સંબંધીઓ, મિત્રોને જાણ કરતા કુલ 300 ભાઈઓ તથા બહેનોને લોન લેવામાં રસ જાગતા તેઓએ પોતાના દસ્તાવેજો અને કોટેશનના રૂપિયા ફરિયાદીને આપ્યા જેથી તમામ દસ્તાવેજો અને રૂપિયા લઈને ફરીયાદી ભુજ આવ્યા ત્યારે મનોજ ઉપાધ્યાય હાજર ન હોવાથી જિલ્લા પંચાયત પાસે આવેલી મમ મમ રેસ્ટોરન્ટમાં પાર્સલ આપી દેવા જણાવ્યું હતું જોકે એક મહિના સુધી કોઈ જવાબ ન મળતા મનોજને ફોન કરાયો ત્યારે લોનનું કામ ચાલુમાં હોવાનું જણાવ્યું હતું

અને મંજુર થઈ જાય ત્યારે બહુમાળી ભવનના નિલેશભાઈ તમને ફોન કરશે તેવું કહ્યું હતું જોકે સમય વીતતો ગયો અને વાયદા મળતા ગયા પણ ન આવી લોન ન મળી બાદમાં તા.3/11 /2021ના દાદા-દાદી પાર્ક પાસેથી દસ્તાવેજો અને લોનના રૂ.30 હજાર આરોપી દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા જે બાદ પણ બાકીના 300 મહિલાઓના 6.60 લાખ રૂપિયા ન મળ્યા જેથી પોલીસમાં અરજી આપવામાં આવી હતી જે અન્વયે આરોપી મનોજ ઉપાધ્યાય સામે 300 ભાઈ અને બહેનોના રૂ.6.60 લાખ પચાવી પાડવાની ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે આ ઠગબાજને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...