જિલ્લા પંચાયતનું હિસાબી વર્ષ 2018/19નું અોડિટ 2021ના અોગસ્ટ માસમાં થઈ ગયું છે, જેમાં 60.37 કરોડ રૂપિયાની રકમ વસૂલાત, વાંધા અને અમાન્ય ખર્ચ હેઠળ બતાવાઈ છે. પરંતુ, સવા વર્ષ જેટલો સમય વીત્યા છતાં રાજ્ય સરકાર પાસે પહોંચ્યું નથી, જેથી સરકારમાં મંજૂર નથી થયું અને જિલ્લા પંચાયતને નોટિસ થઈ નથી. પરિણામે વસૂલાતની કાર્યવાહીની ગાડી પાટે ચડી શકી નથી.અપવાદને બાદ કરતા રાજ્ય સરકારની મોટાભાગની કચેરીઅોની અાવક જાવકના વાર્ષિક હિસાબોનું અોડિટ સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી દ્વારા થતું હોય છે.
હિસાબી વર્ષ 2018/19નું અોડિટ છેક 2021ના અોગસ્ટ માસમાં પૂરું થયું હતું, જેમાં 5 કરોડ 90 લાખ 40 હજાર 100 રૂપિયાની વસુલાત, 45 કરોડ 52 હજાર 86 હજાર 103 રૂપિયાના ખર્ચ વાંધા હેઠળ, 8 કરોડ 94 લાખ 69 હજાર 940 રૂપિયા અમાન્ય ખર્ચ તરીકે મળીને કુલ 60 કરોડ 37 લાખ 96 હજાર 143 રૂપિયા જેટલી રકમ બતાવાઈ છે. સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી દ્વારા અેનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવાનો હોય છે. જે બાદ રાજ્ય સરકાર મંજુર કરવાની પ્રક્રિયા કરે છે. રાજ્ય સરકાર મંજુર કરે ત્યારબાદ જિલ્લા પંચાયતને નોટિસ અપાય છે.
જેના ઉપરથી જિલ્લા પંચાયત દ્વારા વસુલાત સહિતની કાર્યવાહી કરવામાં અાવતી હોય છે. સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીઅે રાજ્ય સરકારમાં રિપોર્ટ મોકલ્યો નથી, જેથી જિલ્લા પંચાયત દ્વારા વસુલાત સહિતની કાર્યવાહી અટકી પડી છે.
તપાસ કરીને કહું : અધિકારી
સ્થાનિક ભંડોળ હિસાબની કચેરીના અધિકારી રમેશભાઈ રાવલિયાને કોલ કરીને હકીકત જાણવા કોશિષ કરી તો તેમણે પહેલા તો જણાવ્યું કે, અેની અેક પ્રક્રિયા હોય છે, જેમાં અોડિટ થયા બાદ વેરીફિકેશન કરવું પડે. અેટલે તેમને કહ્યું કે, સવા વર્ષ જેટલો સમય થઈ ગયો છે. તો તેમણે કહ્યું કે, તપાસ કરીને કહું.
વસૂલાત, વાંધા, અમાન્ય અેટલે શું
સરકારી કચેરી દ્વારા થયેલા ખર્ચમાં વિસંગતતા હોય અને ખરેખર ચૂકવવાપાત્ર કરતા વધુ રકમનું ચૂકવણું થયું હોય તો વસુલાત હેઠળ અાવે. ખર્ચના દસ્તાવેજોમાં પૂર્તતા ન હોય તો વાંધા હેઠળ અાવે. અમાન્ય ખર્ચા અેટલે નિયમ વિરુદ્ધ રકમ ખર્ચાઈ હોય તો અમાન્ય મથાળા હેઠળ અાવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.