મોરબી જિલ્લાના હળવદ ખાતેની GIDCમાં આવેલી સાગર સોલ્ટ નામની મીઠા ફેકટરીમાં નમક થેલીનું પેકિંગ કરી રહેલા મજૂરો પર આજે સવારે દીવાલ ધસી પડવાની દુર્ઘટના સર્જાઈ હતી. તેમાં જીવ ગુમાવનાર 12 મૃતકો પૈકી એકજ પરિવારના 6 હતભાગી પૂર્વ કચ્છના રાપર તાલુકાના કીડીયાનગર ગામ પાસે આવેલી સોમાણી વાંઢના વતની હોવાનું જાણવા મળ્યું છે. હતભાગી પરિવાર 4 દિવસ પૂર્વેજ માદરે વતન લગ્ન પ્રસંગે હાજરી આપવા આવ્યો હતો. બનાવના પગલે ખોબા જેવડા ગામમાં ગમગનીનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૂળ રાપર તાલુકાના સોમાણી વાંઢના રમેશભાઈ મેઘાભાઈ સોમાણી ઉ.42, દિલીપભાઈ રમેશભાઈ સોમાણી ઉ.23 , .શીતલબેન દિલીપભાઈ સોમાણી ઉ.22, દિપક દિલીપભાઈ સોમાણી ઉ.2, શ્યામ રમેશભાઈ સોમાણી ઉ.10, દક્ષાબેન રમેશભાઈ સોમાણી ઉ.14 અને તેમની સાથે હતભાગી રમેશભાઈના માતા અને બીજા પુત્રને પણ આ બનાવમાં ગંભીર ઈજાઓ પહોંચતા સુરેન્દ્રનગર ની હોસ્પિટલમાં દાખલ છે.
આ વિશે હતભાગી પરિવારના પિતરાઈ કાકા અને વડીલ દેવાભાઈ ધર્મશી ભાઈ સોમાણી (કોળી) સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે અમારી સોમાણી વાંઢના ત્રણ પરિવાર છેલ્લા 10-12 વર્ષથી હળવદ ખાતે શ્રમ કાર્ય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેઓ ત્યાં મજૂરી કામ સાથે પશુપાલન પણ કરે છે. અને પોતાના મકાન પણ બનાવ્યા છે. જેઓ 4 દિવસ પહેલાજ તેમના પિતરાઈ ભાઈના પુત્રના લગ્નમાં જોડાવા માટે આવ્યા હતા અને આજે તેમના દુઃખદ સમાચાર મળતા ભારે શોક લાગ્યો છે. ગામના અન્ય લોકો સાથે વાત થયા મુજબ તેમના મૃતદેહોને અહીં લવાયા બાદ તેમની અંતિમ વિધિ કરવામાં આવશે.
બનાવના પગલે હતભાગી પરિવારના સગા સબંધી ખાનગી વાહન મારફતે હળવદ જવા રવાના થયા છે જેના કારણે સોમાણી વાંઢમાં સુનકાર છવાઈ જવા પામ્યો હોવાનું કીડીયાનગરના ધર્મેન્દ્ર રાઠોડે જણાવ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.