કુનરીયા રેતી ચોરી:ચાર સર્વે નંબરમાં ગેરકાયદે ખનન બદલ 5.61 કરોડ દંડ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાર દિવસની કાર્યવાહીના અંતે ખાણ ખનીજ વિભાગે રેતી ચોરીનો આંક જાહેર કર્યો

ભુજ તાલુકાના કુનરીયા ગામના સરપંચ અને પરીજનો દ્વારા રેતી ચોરી કરાતી હોવાની ફરિયાદો ઉઠતા ખાણ ખનીજ વિભાગે ચાર દિવસ પૂર્વે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

ખનીજ વિભાગની ટીમ પહોંચી ત્યારે કોઇ વાહન કે રેતીચોરીના સાધન દેખાયા ન હતા, બાદમાં લીઝ સિવાયના વિસ્તારમાં રેતીચોરી થઇ હોવાનો અંદાજ હોતા ડ્રોનથી સર્વે કરી માપણીશીટ તૈયાર કરાઇ હતી. ગુરુવારે ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડ અને નોટીસની કાર્યવાહી હાથ ધરાશે તેવી શક્યતા સેવાઇ હતી. ખાણ ખનીજ વિભાગે બે શખ્સોને ચાર સર્વે નંબરમાંથી રેતી ચોરી કરવા બદલ 5.61 કરોડ દંડ ભરવા કારણદર્શક નોટીસ પાઠવી હતી.

ખાણ ખનીજ વિભાગના યોગેશ મહેતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, લીઝ સિવાયના માલિકીના તેમજ સરકારી પડતર સર્વે નંબરમાંથી પણ ગેરકાયદેસર ખનન કરાયું હોવાનું પ્રાથમિક દૃષ્ટિઅે ધ્યાન આવતા તલાટીને બોલાવી સર્વે નંબરની માપણી કરાઇ હતી. ખનીજ વિભાગ દ્વારા લીઝ સિવાયના વિસ્તારનું ડ્રોનથી સર્વે કરાયું હતું. સર્વે થયા બાદ સમગ્ર રેતીખનન અંગે માપણીશીટ તૈયાર કરવામાં આવી હતી. માપણીશીટ તૈયાર થયા બાદ અંતે ચાર સર્વે નંબરમાંથી ગેરકાયદેસર ખનન થયું હોવાનું સામે આવતા બંનેને દંડ ભરવા કારણદર્શક નોટીસ પાઠવાઇ હતી.

કુનરીયા ગામના અરૂણકુમાર ગોપાલ છાંગા અને સુરેશ ગોપાલ છાંગાની માલિકીના સર્વે નંબર 344-1માં કુલ 66344.87 મેટ્રીક ટન તેમજ બાજુમાં અડીને આવેલા સરકારી પડતર સર્વે નંબર 344-2માં 9640.965 મેટ્રીક ટન અને સરકારી ટાવર્સ સર્વે નંબર 636 પૈકીમાંથી 40584 મેટ્રીક ટન સાદી રેતી (ખનીજ)નું બિનઅધિકૃત ખનન કરવામાં આવ્યો હોવાનું માલુમ પડયું હતું.

આમ સર્વે નંબર 344-1માં ગેરકાયદેસર ખનન બદલ 1,59,22,769 રૂપિયા, તથા સરકારી પડતર સર્વે નંબર 644-2માં ગેરકાયદેસર ખનન બદલ 23,13,832 રૂપિયા અને સરકારી ટાવર્સ સર્વે નંબર 636 પૈકીમાં ગેરકાયદેસર ખનન બદલ 97,40,244 રૂપીયા તેમજ ગાંધીનગરના પરીપત્ર મુજબ 41 ટકા લેખે 65,28,335, 9,48,674 અને 39,93,500 મળી કુલ 1,14,70,506 રૂપિયા મળી કુલ 3,94,47,351 રૂપિયા દંડ ભરવા નોટીસ પાઠવાઇ છે.

તો બીજી તરફ, અન્ય અેક અપાયેલી કારણદર્શક નોટીસ મૂજબ સરકારી પડતર સર્વે નંબર 339માંથી કુલ 49339.52 મેટ્રીક ટન સાદી રેતીનુ બિનઅધિકૃત ખનન કરવા બદલ 1,18,41,485 રૂપિયા અને અન્ય પરીપત્ર મુજબ 41 ટકા લેખે 48,55,009 રૂપિયા મળી કુલ 1,66,96,494 રૂપિયા દંડ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...