પોસ્ટ કૌભાંડ:આરોપીના સંબંધીના ખાતામાં 5.50 કરોડ; 30 લાખ પરત

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ, રાપર, ભચાઉ, અંજાર, માંડવી, નખત્રાણા તાલુકાના ગ્રાહકોના નાણાં સલવાયા

સમગ્ર રાજ્યમાં બહુચર્તિત ભુજના રાવલવાડી પોસ્ટ કાૈભાંડમાં ટુંક સમયમાં નવા ફણગા ફુટે તેવી શક્યતા વચ્ચે કાૈભાંડના અારોપીના નજીકના સંબંધીના ખાતામાં 5.50 કરોડ અને હાલે પોસ્ટમાં ફરજ બજાવતા અેક કર્મચારીના ખાતામાં પણ 50 લાખ જમા થયા હોવાના હેવાલ મળી રહ્યા છે.

અતિ વિશ્વસનીય સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ જયારે અા કાૈંભાડ અાચરવામાં અાવ્યું હતું તે દરમ્યાન અારોપીઅે પોતાના નજીકના સગા-વ્હાલાના ખાતામાં 5.50 કરોડ જમા કરાવી દીધા હતા અને કાૈભાંડ બહાર અાવ્યા બાદ ટપાલ વિભાગ તરફથી સંબંધીઅો પર દબાણ અાવતાં તેમણે 30 લાખ પોસ્ટ ખાતામાં જમા પણ કરાવી દીધા હોવાનું કહેવાય છે. વધુમાં ખુદ પોસ્ટ ખાતાના જ અેક કર્મચારી કે, જે હાલે ફરજ બજાવી રહ્યા છે તેના પોસ્ટ ખાતામાં પણ 50 લાખ જમા થયા હોવાનું સૂત્રો કહી રહ્યા છે, જેથી અા કર્મચારી સામે પણ ટુંક સમયમાં કાનૂની સકંજો કસાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

ભુજ શહેર અને અાસપાસના ગામોના ગ્રાહકો તેમજ રાપર, ભચાઉ, અંજાર, માંડવી, નખત્રાણા તાલુકાના ખાતેદારોઅે પણ અેક-અેક પાઇ ભેગી કરીને રાવલવાડી પોસ્ટ અોફિસમાં નાણાં રોક્યા હતા ,જે સલવાતાં હવે ખાતેદારો લડી લેવા માટે મક્કમ બન્યા છે. સૂત્રોના કહેવા મુજબ અા મામલે હજુ અારોપીના સગા-સંબંધીઅો તેમજ ટપાલ વિભાગના અનેક કર્મચારીઅોના પગ નીચે રેલો અાવે તેમ છે. સીબીઅાઇની ટીમ ફરી ભુજ અાવવાની છે અને ચાલી રહેલી તપાસ મામલે ટુંક સમયમાં ચાર્જશીટ દાખલ કરે તેવી શક્યતા સેવાઇ રહી છે.

કાૈભાંડનો ભોગ બનેલા ખાતેદારો સોમવારે કલેક્ટરને અાપશે અાવેદન
પોસ્ટ કાૈભાંડનો 250થી પણ વધુ ગ્રાહકો ભોગ બન્યા છે. શુક્રવારે ભુજમાં મળેલી બીજી બેઠકમાં 45 જેટલા ગ્રાહકો હાજર રહ્યા હતા. ખાતેદાર ઉમેશકુમાર ચાૈહાણે જણાવ્યું હતું કે, તા.8-8-22, સોમવારના 12 કલાકે ખાતેદારો કચ્છ કલેક્ટરને અાવેદન અાપવા જશે અને વરસાદના કારણે શુક્રવારની બેઠકમાં જે ગ્રાહકો હાજર રહી શક્યા નથી તેઅો સહિત ભોગ બનેલા તમામ ગ્રાહકોને કલેક્ટર કચેરીઅે હાજર રહેવા અપીલ કરી છે. વધુમાં જે ગ્રાહકો પાસે પાસબુક નથી તેઅો સ્ટેટમેન્ટ માટે રાવલવાડી પોસ્ટ અોફિસમાં જાય છે ત્યારે મહિલા કર્મચારી દ્વારા ઉડાઉ જવાબ અાપી, સ્ટેટમેન્ટ અાપતા નથી કે, દાદ અાપતા નથી. અા મહિલા કર્મચારી અને હાલે જે પોસ્ટ કર્મચારી પાસે પોસ્ટ કાૈભાંડની તપાસ છે તે કર્મચારીને તાત્કાલિક હટાવવા ટપાલ વિભાગને પણ અાવેદન અાપવામાં અાવશે. જે ગ્રાહકો પાસે પાસબુક નથી તેમની પાસબુક અારોપીના સગા-સંબંધીઅોના ઘરે હોઇ ભોગ બનેલા ખાતેદારો હવે સંબંધિત અારોપીઅો સામે વ્યક્તિગત રીતે પોલીસ ફરિયાદ નોંધાવશે. વધુમાં અાગામી રણનીતિ માટે વધુ અેક બેઠક ટુંક સમયમાં બોલાવવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...