લાપરવાહીની હદ હોય:સરકારી બેંકોના પાપે 500 પેન્શનરોને ગત માસના પેન્શનની રકમ જ ન મળી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હયાતીની ખરાઈ બાદ બેંકે ફાઇલ તિજોરી કચેરીમાં મોકલવામાં આળસ કરતા મુદ્દો ઉપસ્યો
  • બેન્કોના​​​​​​​ અધિકારી અને કર્મચારીઓ ઉડાઉ જવાબ આપતા હોઇ વિકટ પરિસ્થિતિ સર્જાઈ

સરકાર દ્વારા સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલા વ્યક્તિઓને તેમજ વિધવા મહિલાઓને પેન્શન આપવામાં આવતું હોય છે.નોકરી પછીના સમયગાળામાં નિવૃત્ત જીવન ગાળવું ખૂબ જ કઠિન હોય છે ત્યારે આ સમયગાળામાં સરકાર દ્વારા દર મહિને ચૂકવવામાં આવતી પેન્શનની રકમ આ પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહે છે.જોકે બેંકોના કામચોર અધિકારી-કર્મચારીઓના પાપે 500 જેટલા પેન્શનરો આ મહિને પેન્શનની રકમ મેળવવાથી વંચિત રહી ગયા હોવાની માહિતી જાણવા મળી રહી છે.

સરકારી બેંકો દ્વારા હયાતીની ખરાઈ માટે અરજદારો પાસેથી ફોર્મ ભરાવી લીધા બાદ આ ફોર્મ નિયત સમય મર્યાદામાં જિલ્લા તિજોરી અધિકારીની કચેરી સમક્ષ રજૂ કરવામાં ન આવતા આ પેન્શનરો સરકારી લાભથી વંચિત રહી ગયા છે.જેમાં સ્પષ્ટ રીતે બેંકોની બેજવાબદારી સામે આવી છે.નિવૃત પેન્શનરોએ માહિતી આપતા જણાવ્યું કે, સરકાર દ્વારા દર વર્ષે મે, જૂન અને જુલાઈ મહિનામાં હયાતીની ખરાઈ કરવામાં આવતી હોય છે આ માટે અરજદારે જે તે બેંકમાં જઈ હયાતીની ખરાઈનું ફોર્મ ભરવાનું હોય છે.

જેથી તમામ પેન્શનરો બેંકમાં ગયા અને હયાતીની ખરાઈ કરાવી હતી. પરંતુ ચાલુ મહિને જ્યારે પેન્શનની રકમ લેવા ગયા ત્યારે જાણવા મળ્યું કે બેંકમાં રકમ જમા નથી થઈ જેથી ચિંતામાં મુકાઈ ગયેલા પેન્શનરોએ બેંકમાં તપાસ કરી ત્યારે કોઈએ યોગ્ય જવાબ ન આપ્યો. આવી જશે આવી જશે કહી માત્ર ઠાલા વચ્ચેનો આપ્યા હતા.ભુજના હોસ્પિટલ રોડ પર આવેલી બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજરને જ્યારે પેંશનરો મળ્યા ત્યારે તેમણે ટેકનિકલ એરર હોવાનું જણાવી પોતાના હાથ અધ્ધર કરી નાખ્યા હતા.

જેથી આ બેન્કમાં ખાતું ધરાવતા 70 લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે.મેનેજરે આવતા મહિને રકમ મળશે તેવું કહ્યું છે પણ તેની સામેય પ્રશ્નાર્થ છે.આ બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે,ન માત્ર બેન્ક ઓફ ઇન્ડિયા પણ બેન્ક ઓફ બરોડા સહિતની રાષ્ટ્રીયકૃત બેંકોમાં કુલ 500 લોકોનું પેન્શન આ રીતે અટવાઈ ગયું છે.કચ્છમાં કુલ 11 હજાર પેંશનરો છે.જે પૈકી 500 લોકોની ફાઇલ તિજોરી અધિકારી સુધી ન પહોંચતા આ મુદ્દો ઉપસ્યો છે.

અન્ય સમાચારો પણ છે...