ભુજ અને તાલુકાના સામત્રા પાસે સર્જાયેલા બે અલગ અલગ અકસ્માતના બનાવોમાં અબડાસા તાલુકાના નાની વમોટી ગામના મહિલા સહિત ત્રણ, જેશરવાંઢ અને હાજાપરના બે તેમજ હોમગાર્ડ જવાન સહિત છ લોકોને ઇજા પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિત પ્રમાણે સામત્રા ગામ પાસે નાગીયારી બસ સ્ટેશન સામેના રોડ પર સોમવારે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં અકસ્માતનો બનાવ બન્યો હતો. માનકુવા પોલીસ મથકે મૂળ અબડાસાના નાની વમોટી ગામના અને હાલ નખત્રાણા પોલીસ લાઇન રૂમ નંબર 7માં રહેતા શક્તિસિંહ અનિરૂધસિંહ જાડેજા (ઉ.વ.27)એ ઇકો કારના ચાલક વિરૂધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી પોતાના કબજાની અલ્ટો કારથી સુરેન્દ્રનગરના મુડી ગામેથી લગ્ન પ્રસંગ પુરો કરીને પરત ફરી રહ્યા હતા.
ત્યારે સામત્રા નજીક નાગીયારી બસ સ્ટેશન સામેના રોડ પર રોંગ સાઇડમાંથી ઇકો કાર આવીને તેમની કાર સાથે અકસ્માત સર્જયો હતો. જેમાં ફરિયાદીને અને તેમની સાથે કારમાં બેઠેલા પ્રફુલબા કિશોરસિંહ જાડેજા અને અરવિંદસિંહ અજીતસિંહ જાડેજાને ઇજા પહોંચી હતી. જ્યારે ઇકો કાર સવાર નખત્રાણા તાલુકાના જેશરવાંઢ ખાતે રહેતા ચંદુભા સંગ્રામજી જાડેજા (ઉ.વ.45) અને માંડવી તાલુકાના હાજાપર રહેતા મુળુભા જાલુભા જાડેજા (ઉ.વ.44)ને માથા અને શરીરના ભાગે ઇજા પહોંચી હતી. ઇકો કાર રોડ પર પલ્ટી મારી ગઇ હતી.
ઘાયલોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. માનકુવા પોલીસે ઇકો કારના ચાલક વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. તો, બીજી તરફ મીરજાપર પોલીસ ચોકીમાં ફરજ બજાવતા અને ગણેશનગર ભુજ રહેતા હોમગાર્ડ જવાન આશિષભાઇ વાલજીભાઇ જોષી (ઉ.વ.33) પોતાની મોટર સાયકલથી આવી રહ્યો હતો. ત્યારે સવારના સાડા અગ્યારના અરસામાં મંગલમ હોટલ નજીક ચાર રસ્તા પાસે છકડાના ચાલકે ટકકર મારતાં પડી જવાથી ફેકચર સહિતની ઇજા પહોંચી હતી. એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.