વરસાણા-ભુજ ફોરેલેન માર્ગ માટે 4877 વૃક્ષો કાપવામાં આવશે,જેમાં 31 પ્રકારની પ્રજાતિના વૃક્ષોનો સમાવેશ થાય છે.જો કે આ વૃક્ષોના વળતરનું કેમ્પા ફંડમાં ઉપયોગ કરાશે. હાલ રતનાલ અને સૈયદપર આસપાસ વૃક્ષોનું નિકંદન ચાલુ છે.
આ ફોરલેન માર્ગનું નિર્માણ કાર્યની 2019થી પ્રક્રિયા શરુ થઇ હતી.નેશનલ હાઇવે નંબર 341 કિમી 38.300થી કિમી 66.478 સુધી દ્વીમાર્ગીયમાંથી ચારમાર્ગીય રસ્તો રૂપાંતરિત કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી. ગત સપ્ટેમ્બર માસમાં આ પ્રોજેક્ટ અંતર્ગત 388 જમીન માલિકોને જમીની દસ્તાવેજ રજૂ કરવા જાણ કરાઈ હતી.
આ વચ્ચે હાલ 4877 વૃક્ષોનું છેદન કરી અહીં માર્ગ બનાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.ભુજ અને અંજાર તાલુકામાં સામાજિક વનીકરણ વિભાગની બંને રેન્જમાં મળી કુલ 4877 વૃક્ષ કાપવામાં આવશે.જેમાં ભુજમાં 2320 અને અંજારમાં 2557 વૃક્ષોનો સમાવેશ થાય છે.આ વૃક્ષોમાં આમળા, આસીત્રો, આસોપાલવ, અરડૂસો, દેશી અને ગાંડો બાવળ, ગરમાળો, ખાખરો, ખેર, ખીજડો, લિયાર, મીઠી આંબલી, નારિયેળ, નીલગીરી, રગત રાયડો સહીત મળી કુલ 31 પ્રકારની પ્રજાતિના વૃક્ષોનો આ જમીનમાંથી છેદ ઉડાડવામાં આવી રહ્યો છે.
આ અંગે ડીસીએફ હરેશ મકવાણાએ જણાવ્યું હતું કે,આ વૃક્ષોની વળતર રકમ જંગલ સંરક્ષણ અધિનિયમ હેઠળ કેન્દ્ર સરકારમાં જમા કરાવી દેવામાં આવી છે,જે ભવિષ્યમાં કેમ્પા ફંડમાં કેન્દ્ર સરકાર ઉપયોગમાં લેશે. સ્પષ્ટ બાબત છે કે,અન્ય વૈકલ્પિક વનીકરણ કરવામાં આવશે નહિ. રક્ષિત જંગલ વિસ્તારમાં જ્યાંથી સૂચિત માર્ગનું નિર્માણ કરાઈ રહ્યું છે ત્યાં તોતિંગ મશીનો વડે હાલ વૃક્ષો દૂર કરવામાં આવી રહ્યા છે.
સૈયદપર રખાલ નજીક વન્યજીવો આશ્રયસ્થાન ઘટશે
મહત્વપૂર્ણ બાબત છે કે,સૈયદપર રખાલ અને રખાલ બહારના વિસ્તારમાં અનેક વન્યજીવો માટે વૃક્ષો આશ્રય સ્થાન હતા. હવે રખાલ બહાર અનેક વૃક્ષો કપાઈ જતા પક્ષીઓ અને સસ્તનધારી પ્રાણીઓ અને શિકારી પક્ષીઓ આ તરફ ઓછા જોવા મળે તો નવાઈની બાબત નહીં હોય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.