તાજેતરમાં કચ્છની મુલાકાત કરનારા તેલંગાણાના સાંસદ અસસુદ્દીન ઓવૈસી દ્વારા બન્ની રક્ષિત જંગલમાં વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ રજુ થયેલ સામુદાયિક અધિકારના દાવાઓની મંજૂરી બાબત પર સોમવારે લોકસભામાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. જેનો જવાબ જનજાતિય મંત્રાલય દ્વારા અાપવામાં અાવ્યો હતો.
ઓવૈસીઅે પ્રશ્ન કર્યો હતો કે બન્નીમાં કુલ 427 ગામોમાંથી માત્ર 83 ગામોમાં વન જિલ્લા સમિતિ બનાવાઇ છે ? અને પર્યાવરણ અને અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત 47 દાવાઅો માન્ય કરવામાં અાવ્યા હતા ? જો કરાયા હોય તો તેના શું કરણો સહિતની માહિતી માંગી હતી.
આ પ્રશ્નના જવાબમાં ભારત સરકારના આદિજાતિ મંત્રાલયના મંત્રી બિસેશ્વર ટુડુ દ્વારા જવાબ રજુ કરવામાં આવ્યો હતો કે, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા માહિતી આપવામાં અાવી છે કે ભુજના બન્ની વિસ્તારના 55 ગામોમાં વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ વન અધિકાર સમિતિની રચના કરવામાં આવેલી છે. તે પૈકી 47 ગામોના સામુદાયિક અધિકારોના દાવાઓ પ્રાંત સ્તરે મંજુર કરવામાં અાવ્યા છે અને આગળની મંજૂરી માટે જિલ્લા સ્તરે વિચારણા હેઠળ છે.
વન અધિકાર અધિનિયમ કાયદાની જોગવાઈઓ હેઠળ વન ગામોને મહેસુલી ગામોમાં તબદીલ કરવાની કાર્યવાહી બાબતે આ પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા અમલ કરવાનો હોય છે. આ બાબતે ભારત સરકારના આદિજાતિ મંત્રાલય દ્વારા વખતો વખત પત્ર લખીને તેમજ માર્ગદર્શિકા જારી કરીને ગુજરાત સહિતના રાજ્યોને વન અધિકાર અધિનિયમ 2006 ના સેક્શન 3(1)(એચ) મુજબ વન ગામોને મહેસુલી ગામોમાં તબદીલ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી છે. જોકે દરેક રાજ્યમાં કેટલા ગામોને વન ગામમાંથી મહેસુલી ગામમાં તબદીલ કરવામાં આવ્યા તે બાબતની નોંધ કેન્દ્ર સરકાર દ્વારા રાખવામાં આવતી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.