તમારું એસબીઆઈ યોનો એકાઉન્ટ બંધ થઈ ગયું છે અને ચાલુ કરવા માટે આપેલી લિંક પર ક્લિક કરો તેમ કહીને ભુજની વધુ એક ગૃહિણીના બેન્ક ખાતામાંથી બારોબાર 42 હજાર રૂપિયાનું ટ્રાન્જેક્શન થઈ જતા સાયબર સેલ(એલસીબી)એ તાત્કાલિક કાર્યવાહી કરીને રૂ.13,299 પરત અપાવ્યા હતા.
પ્રમુખસ્વામીનગરમાં રહેતા મોનિકા ચંદ્રકાન્તભાઈ ધરોડે બનાવ અંગે ઉત્તરપ્રદેશના જોનપુરના ખાતાધારક પ્રદીપકુમાર ઉમાપતિ ગૌતમ અને અજાણ્યા મોબાઈલ નંબરધા૨ક સામે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
17 ફેબ્રુઆરીએ મોનિકાબેનના મોબાઈલમાં અજાણ્યા મોબાઈલ નંબર પરથી મેસેજ આવ્યો હતો કે,આ લિન્ક દ્વારા પાનકાર્ડ ડીટેઈલ્સ અપડેટ નહીં કરાવો તો આજે તમારું SBI યોનો એકાઉન્ટ બંધ થઈ જશે. તેમણે લિન્ક ૫૨ ક્લિક કરતાં જન્મતારીખ, આધારકાર્ડ, પાનકાર્ડ અને બેન્ક ખાતા નંબરની વિગતો મગાઈ હતી.
અલગ અલગ ત્રણ ટ્રાન્ઝેક્શન મારફતે તેમના ખાતામાંથી 42498 રૂપિયા ઉપડી ગયા હતા.જેથી તાત્કાલિક બેંકમાં અને સાયબર સેલ (એલસીબી)માં જતા ફરિયાદીને 13,299 રૂપિયા પરત મળ્યા હતા. બનાવ અંગે મહિલાએ પોલીસને અરજી આપી હતી અને તપાસમાં યુપીના બેન્ક એકાઉન્ટધારક પ્રદીપના ખાતામાં નાણાં જમા થયાનું સ્પષ્ટ થતાં ભુજ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.