અપમૃત્યુ:પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના 5 બનાવમાં 4 યુવાન, 1 આધેડના જીવનદીપ બુઝાયા

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંડવીના ડોણમાં ઝાડ પર લટકીને તો, કોટડા ચકારમાં ઝેરી દવા પીને આપઘાત
  • શેખપીર પાસેના ઔદ્યોગિક એકમમાં ફરજ પર રહેલા મજુરનું વીજ આંચકાથી મોત

પશ્ચિમ કચ્છમાં અપમૃત્યુના અલગ અલગ પાંચ બનાવોમાં ચાર યુવાન અને એક આધેડની જીંદગી પર પૂર્ણ વિરામ મુકાઇ ગયો છે. માંડવીના ડોણ ગામે વડના ઝાડ પર ફાંસો ખાઇને તો, ભુજ તાલુકાના કોટડા ચકારની વાડીમાં ઝેરી દવા પીને આધેડનું અને શેખપીર પાસેની કંપનીમાં શ્રમજીવીનું વીજ શોકથી મૃત્યુ થયું હતું. જ્યારે નખત્રાણાના મુરૂ ગામની વાડીમાં હ્રદય રોગના હુમલાથી તો, અબડાસા તાલુકાના લઠેડી ગામની વાડીમાં ઝેરી અસરથી યુવાનને દમ તોડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ માંડવી તાલુકાના ડોણ ગામે મતિયાદેવના મંદિર પાસે આવેલા વડના ઝાડ પર દોરી બાંધીને 35 વર્ષીય કિશોરભાઇ કાંતિભાઇ ધોરીયા (મહેશ્વરી) નામના યુવકે કોઇ અગમ્ય કારણોસર બુધવારે સવારે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. માંડવી પોલીસે બનાવની નોંધ લઇ યુવકના આપઘાત પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી છે.

જ્યારે ભુજ તાલુકાના કોટડા ચકાર ગામની વાડીમાં કામ કરતા મુળ મહિસાગરના અખમભાઇ ભોદર મુનવાડા (ઉ.વ.50)એ મંગળવારે કોઇ અગમ્ય કારણોસર વાડીમાં પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં તેમને સારવાર માટે ભુજ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં જ્યાં હાજર પરના તબીબે મોડી રાત્રે સાડા બાર વાગ્યે મૃત જાહેર કરતાં પધ્ધર પોલીસે બનાવની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.

શેખપીર નજીક આવેલી કિશન કોટન મીલમાં કડીયાકામ કરતા ભારાપર ગામના રાકેશ મુળજીભાઇ મહેશ્વરી (ઉ.વ.36) ભીંતમાં પ્લાસ્ટર કરતી વખતે પ્લાસ્ટર કરવાની પટ્ટી વીજ વાયરને અડકી જતાં વિજ કરંટ લાગવાથી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાતાં જ્યાં તબીબે યુવકને મૃત જાહેર કરતાં પધ્ધર પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરી આગળની કાર્યવાહી કરી છે.

લઠેડી ગામની વાડીમાં ઝેરી અસર થકી મજુરનું મૃત્યુ
અબડાસા તાલુકાના લઠેડી ગામની વાડીમાં મજુરી કરતા રાજુ અમૃત નાયક (ઉ.વ.20)ને મંગળવાર રાત્રથી વોમીટો થતી હોઇ સવારે સારવાર માટે હોસ્પિટલે લઇ જવાતાં માર્ગ વચ્ચે જ દમ તોડી દિધો હતો. કોઠારા પોલીસે જણાવ્યું હતું કે, સંભવત સાપ કરડી ગયા હોવાનું તબીબનું તારણ છે પણ મૃતકના વિસેરા લઇને એફએસએલમાં મોકલાવાયા છે. રિપોર્ટ આવ્યા બાદ યુવકનું મૃત્યુ ઝેરી અસરથી કે, અન્ય કારણથી થયું છે. તે જાણી શકાશે.

મુરૂ ગામે વાડીમાં હ્રદય રોગના હુમલાથી યુવાનનો પ્રાણ ગયો
નખત્રાણા તાલુકાના મુરૂ અને ઐડા ગામના રોડ પર આવેલી વાડીમાં મુરૂ ગામના 47 વર્ષીય વિક્રમસિંહ નટુભા જાડેજા નામના યુવાન મંગળવારે રાત્રે સાડા નવ વાગ્યે બેભાન હાલતમાં હોવાથી તેમના ભત્રીજા સરકારી દવાખાને લઇ ગયા હતા. જ્યાં હાર્ટએટે આવવાથી તેમનું મૃત્યુ થયું હોવાનું બહાર આવતાં નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...