ફ્લાઈંગ સ્કવોડનો સપાટો:દહીંસરા પાસે બોક્સાઇટ પરિવહન કરતા 4 વાહનો ઝડપાયા

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કનૈયાબે-નાડાપા વિસ્તારમાંથી ચાઈનાકલે ભરેલા 3 ઓવરલોડ વાહનો પણ સિઝ

ખાણ ખનીજ વિભાગની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે ભુજ તાલુકા વિસ્તારમાં સપાટો બોલાવીને ઓવરલોડ ચાઈનાકલે ભરેલા 3 વાહનો અને રોયલ્ટી પાસ વગર પરિવહન કરતા બોક્સાઇટના 4 વાહનો ઝડપી પાડયા છે જેને લઈને ખનિજચોરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

આ અંગેની વિગતો મુજબ સ્કવોર્ડ દ્વારા પધ્ધર વિસ્તારમાં ચેકિંગ કરીને સવારે 4 વાગ્યાના અરસામાં કનૈયાબે પાસેથી ઓવરલોડ ચાઈનાકલે ખનીજ ભરેલ ડમ્પર નંબર જીજે 01 જેટી 6994 અને નાડાપા ફાટક પાસેથી જીજે 12 બીટી 9648 અને જીજે 12 બીએક્સ 6523 નંબરની ગાડી ઝડપી લેવામાં આવી હતી.આ વાહનોમાં ઓવરલોડ ચાઈનાકલે ભરેલી હોવાથી વાહનો સિઝ કરી પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યા છે અહીં કાર્યવાહી કરીને સ્કવોર્ડની ટીમ આગળ ચેકિંગમાં ગઈ ત્યારે દહીંસરા પાસેથી બોક્સાઇટ ભરેલા 3 ટ્રેઇલર અને 1 ડમ્પરને ઝડપી લેવાયા છે.

રોયલ્ટી કે પાસ પરમીટ વગર આ વાહનોમાં બોક્સાઇટ ખનીજનું પરિવહન કરવામાં આવ્યું હતું.સવારે 7 વાગ્યાના અરસામાં કરવામાં આવેલી કાર્યવાહીમાં જીજે 12 બીવાય 8721,જીજે 12બીટી 6741,જીજે 12 બીવાય 7924 અને જીજે 12 ઝેડ 9784 નંબરના વાહનો સિઝ કરાયા હતા.આ ચારેય વાહનોમાં 129 ટન બોક્સાઇટ ભરેલું હોવાનું સામે આવ્યું છે.સૂત્રોએ જણાવ્યું હતું કે,પહેલા ત્રણ ટ્રેઇલર સિઝ કરવામાં આવ્યા અને આ દરમ્યાન એક ડમ્પર પસાર થયું તેને રોકાવીને તપાસ કરવામાં આવી હતી.

ચારેય વાહનોમાં રોયલ્ટી કે પાસ પરમીટ વગર બોક્સાઇટ ખનીજનું પરિવહન કરવામાં આવ્યું હોવાથી આ મુદામાલ સિઝ કરીને ખાણ ખનીજ વિભાગના વાડામા રાખવામાં આવ્યો છે.રેડ દરમ્યાન 4 વાહનોના ચાલક નાસી છૂટયા હોવાનું પણ સામે આવ્યું છે.આ બોક્સાઇટના સેમ્પલ તપાસણી માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને વાહનમાલિકોને નિવેદન માટે બોલાવાયા છે.ફ્લાઈંગ સ્કવોર્ડની સપ્તાહના ટૂંકા સમયગાળામાં બીજી સખ્ત કાર્યવાહીથી ખનીજચોરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

આ કાર્યવાહીમાં ફ્લાઈંગ સ્કવોર્ડના આસિ.ડાયરેક્ટર મેહુલકુમાર શાહની આગેવાનીમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર ખુશાલીબેન ગરવા,માઇન્સ સુપરવાઇઝર મનોજકુમાર બી.ઓઝા,સિક્યુરિટી સૂપરવાઇઝર ચંદુભા જાડેજા,સિક્યુરિટી ગાર્ડ પ્રહલાદસિંહ ઝાલા,રાજેન્દ્રસિંહ ડાભી,ડ્રાઇવર સુલતાન ખલીફા જોડાયા હતા.

તાજેતરમાં બોક્સાઇટ કેસમાં ગુનો દાખલ થયો હતો
એક મહિના પહેલા ભુજમાં જિલ્લા ઉધોગ કેન્દ્ર પાસેથી બોક્સાઇટ ભરેલુ ડમ્પર સિઝ કરવામાં આવ્યું હતું જેની તપાસણી કરવામાં આવી ત્યારે આ માલ લખપત તાલુકાના ભાડરા વિસ્તારમાંથી ભરાયો હોવાનું સ્પષ્ટ થતા સ્થળ તપાસણી અને લેબોરેટરીના અહેવાલ પછી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ બોક્સાઇટના કિસ્સામાં પણ નમૂના સેમ્પલ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જ્યાંથી રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો નિર્દેશ પણ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...