વિધાનસભાની ચૂંટણીના સમયે જ પશ્ચિમ કચ્છમાં ઉપરાઉપરી હત્યાના ચાર બનાવ બન્યા છે. જેના લીધે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંકુશમાં લેવા માટે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી.હત્યાના બનાવો પારિવારિક અને મિત્રો વચ્ચેના ડખ્ખામાં બન્યા હતા.
અબડાસા તાલુકાના વાગોઠ ગામે બહેન સાથે સંબંધની શંકાએ બે સગાભાઇ વિનોદ શાંતિલાલ કોલી અને કાનજી શાંતિલાલ કોલીની આરોપી ભરત ઉમરશી કોલીએ છરીના ઘા ઝીંકી નિર્મમ હત્યા નીપજાવી હતી જેમાં તપાસ દરમિયાન અન્ય આરોપીઓ ઉમરશી કોલી, રાજેશ કોલી, વિજય કોલી અને લક્ષ્મી કોલીની સંડોવણી ખુલી હતી.
તો સાંધવ વાડી વિસ્તારમાં રહેતા જર્નલસિંઘ ભજનસિંઘ જાટની છેડતીની શંકાએ ઝાડ સાથે બાંધી ઢોરમાર મારી હત્યા કરાઈ હતી. આ મામલો આમ તો દબાવી દેવાયો હતો. પણ કોઠારા પોલીસને જાણ થતા તપાસ કરાઇ અને ભોગ બનનાર પરિવારને ફરિયાદ કરવા માટે સમજૂત કરી મર્ડરનો બનાવ પોલીસે શોધ્યો હતો. જેમાં વાડી વિસ્તારમાં રહેતા આરોપીઓ લખવીરસિંઘ, કશ્મીરસિંઘ, નવદીપકૌર, મહેતાબસિંઘની અટક થઇ હતી.
આ તરફ મુન્દ્રાના કુંદરોડી ગામે ગાડીમાં નુકશાનનું મનદુઃખ રાખી મારામારી કરતા યુવાન શંભુભાઇ રાધુભાઇ મરંડનું મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો. જે કેસમાં આરોપી ત્રણ બંધુઓ કિરીટસિંહ હઠુભા જાડેજા, જગદીશસિંહ અને શક્તિસિંહની ધરપકડ થઇ હતી. દરમ્યાન કોટડા ચકાર ગામે કૌટુંબિક ક્લેશમાં પરિણીતાને માર મારતાં મોત થયું હતું.
બાદમાં જી.કે.જનરલ હોસ્પિટલની સામે લાશ રઝળતી મૂકી દેવાઈ હતી. જ કેસમાં આરોપી મેરામણ મહેશ્વરીને વાંકી ગામેથી પોલીસે દબોચી લીધો હતો. આ તમામ ચકચારી કેસોમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓને જેલહવાલે કરી દીધા છે. જેથી ગુનાખોરી તો અંકુશમાં આવી પણ નજીવી બાબત લોકોથી સહન થતી નથી અને આવેશમાં આવી જઈને હત્યા જેવા ગંભીર બનાવોને અંજામ આપવામાં આવતા હોવાનું ચિત્ર પણ ઉપસ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.