કાર્યવાહી:ગુનેરીના યુવાન પાસે લગ્નની લાલચે 6 રાજસ્થાનીએ 3.91 લાખ પડાવ્યા

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમાજના આગેવાનોની હાજરીમાં સગપણ કર્યા, રોકડ - દાગીના લઇ ફરી ગયા

લખપત તાલુકાના ગુનેરી ગામે રહેતા યુવક સાથે સગપણ કરી રાજસ્થાનના જેસલમેર જિલ્લાના ફતેહગઢ ગામના છ શખ્સોએ છેતરપિંડી કરી દોઢ લાખ રોકડ તેમજ 2લાખ 40 હજારના સોના-ચાંદીના દાગીના લઈ લીધા બાદ પાછળથી ફરી જતા દયાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ગુનેરી ગામે રહેતા કનુભા તનુભા સવરૂપાજી (ઉં.વ.39)એ દયાપર પોલીસ મથકમાં રાજસ્થાનના ફતેહગઢ તાલુકાના મુલાણા ગામે રહેતા રાજુભા અચલસિંહ સોઢા, વિક્રમસિંહ અચલસિંહ સોઢા, ગેમરસિંહ અચલસિંહ સોઢા, ગોવિંદ મહેશસિંહ સોઢા, રહેવતસિંહ દિપસિંહ સોઢા અને ગોવિંદસિંહ જવાહરસિંહ સોઢા સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે બનાવ ચારેક વર્ષે પહેલા 13 જુલાઇ 2018ના બન્યો હતો. આરોપીઓએ ફરિયાદીના ભાઈ મોહનસિંહનું સગપણ આરોપીઓની બહેન લીલાબા સાથે ફરિયાદીના સમાજના આગેવાનોની હાજરીમાં નક્કી કર્યું હતું.

તે સમયે ફરિયાદી રીતરીવાજ મુજબ આરોપીઓ રોકડા 1 લાખ 51 હજાર તેમજ સોના-ચાંદીના તોલા આઠ દાગીના કિંમત રૂપિયા 2 લાખ 40 હજાર મળીને કુલ રૂપિયા 3 લાખ 91હજારનો મુદામાલ આપ્યો હતો. બાદમાં આરોપીઓએ લગ્ન 4 વર્ષ પછી કરી આપશુ તેવું જણાવી વાયદાઓ કરતા રહ્યા બાદમાં ફરિયાદી સહિતનાઓ આરોપીઓના ઘરે પહોંચ્યા હતા.

ત્યારે આરોપીઓ ફરી ગયા હતા. અને હાલ રૂપિયા નથી પછી આપી દેશું તેવું જણાવીને બાદમાં ફરિયાદીનો ફોન ઉપાડવાનો બંધ કરી દઇ ફરિયાદી સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરતાં છએ આરોપીઓ સામે દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...