હજુ તો ઉનાળો દરવાજે દસ્તક દઇ રહ્યો છે તેવામાં સરહદી લખપત તાલુકામાં પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. પંથકના 35 જેટલા ગામમાં છેલ્લા અઠવાડિયાથી પેયજળનું વિતરણ ન થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પાયાગત સુવિધાના આ પ્રશ્નને લઇ તાલુકા પંચાયતના પ્રમુખે કલેક્ટર સમક્ષ કરેલી રજૂઆતમાં તાત્કાલિક ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારી હતી.
આવેદનમાં જણાવાયું હતું કે, પીવાનું પાણી ન મળતાં ગ્રામજનોની સાથે અબોલ જીવો પણ પરેશાની ભોગવી રહ્યા છે જે બાબતે સ્થાનિક કચેરીએ જાણ કરવામાં આવતાં અધિકારીઓ દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવે છે. પાણી વિતરણની જવાબદારી કોન્ટ્રાક્ટરની છે તેમ તંત્ર દ્વારા જણાવાય છે તો ઠેકેદાર એમ કહે છે કે પાણી પુરવઠા વિભાગની જવાબદારી છે. આમ એકબીજા પર ફેંકાફેંક કરવામાં આવતી હોવાથી સરવાળે ગ્રામજનોનો મરો થાય છે.
લાઇન બંધ હોય ત્યારે ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવે તેવી સંકલનની બેઠકમાં રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ આવતો નથી તેમ જણાવતાં તાલુકા પંચાયતના પ્રમુખ જેનાબેન હસન પડ્યારે ઉમેર્યું હતું કે, સ્થાનિકે પીવાના પાણીના સ્રોત નથી તો કૂવા અને તળાવ પણ પાણી વિહોણા થઇ ગયા હોવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.
તાલુકાની 14 એમએલડી જરૂરિયાત સામે 18 એમએલડી પાણી પૂરું પડાય છે. 11 બોર, ગોધાતડ ડેમ અને અન્ય સ્રોતમાંથી 5 એમએલડી પાણી મળે છે તેમ છતાં તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં વિતરણ નથી કરાતું તેવો આક્ષેપ તાલુકા પંચાયત પ્રમુખે કર્યો હતો. ઉનાળાના આરંભ પહેલાંજ પેદા થયેલા આ વિકટ પ્રશ્ને જો તાત્કાલિક યોગ્ય નહીં કરાય તો આગામી સમયમાં નાછૂટકે આંદોલન છેડવાની ચીમકી તેમણે ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.