કોલેજમાં લોલમલોલ:પ્રથમ તબક્કાની પરીક્ષામાં 35 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા

ભુજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છાત્રો કલાસરૂમમાં મોબાઇલ લઈને ચોરી કરે છે

કચ્છ યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબક્કામાં સેમેસ્ટર ત્રણ અને પાંચની કસોટી લેવામાં આવી હતી. જેમાં 16 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જોકે આ પરીક્ષા દરમિયાન 35 જેટલા વિદ્યાર્થીઓ કોપી કરતા સ્કવોર્ડના હાથે પકડાયા છે.

જાણવા મળતી વિગતો મુજબ પરીક્ષા દરમિયાન યુનિવર્સિટીની ખાસ સ્કવોર્ડ દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવતું હોય છે. જે ચેકિંગ દરમિયાન રોજ બે થી ત્રણ વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા હતા. પરીક્ષા પૂર્ણ થતા કોલેજો તરફથી પોતાનો અહેવાલ યુનિવર્સિટીમાં સોંપવામાં આવ્યો હતો. જેના આધારે અત્યાર સુધી 35 જેટલા વિદ્યાર્થીઓએ પ્રથમ પરીક્ષામાં કોપી કરી હોવાનું સામે આવ્યું છે.

આ વિદ્યાર્થીઓની પુરવણી હાલ પરીક્ષા વિભાગમાં રાખવામાં આવી છે. નવાઈની વાત તો છે કે સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ચિઠ્ઠી લખીને કે પછી આજુબાજુમાંથી જોઈને ચોરી કરતા હોય છે પરંતુ ત્રણ વિદ્યાર્થીઓ તો એવા નીકળ્યા કે, તેઓ મોબાઇલ લઈને ક્લાસરૂમમાં ગયા અને ચોરી કરતા હતા. જે ઘણી ગંભીર બાબત કહી શકાય તેમ છે.

આ બાબતે પરીક્ષા નિયામક તેજલ શેઠ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, પ્રથમ તબક્કાની પરીક્ષામાં અત્યાર સુધી 35 જેટલા વિદ્યાર્થીઓએ કોપી કરી હોવાનું સામે આવ્યું છે. જેથી હવે આ વિદ્યાર્થીઓના રજિસ્ટર્ડ સરનામા પર પત્ર લખીને તેમનો ખુલાસો લેખિતમાં માંગવામાં આવશે.

જે મળ્યા બાદ રૂબરૂ બોલાવવામાં આવશે અને કમિટી સમક્ષ નિવેદન નોંધ્યા બાદ ઇસીની બેઠકમાં નિર્ણય લઇને સજા આપવામાં આવશે.સજામાં વિદ્યાર્થીને પરિક્ષાથી દુર રાખવામાં આવે છે,જેમાં મહત્તમ બે વર્ષ સુધી છાત્રને પરીક્ષાથી દૂર રાખવાની જોગવાઈ છે.

પોસ્ટમાં ટ્રેક કરી શકાય તેવી વ્યવસ્થા
જે પરિણામ અને ડિગ્રી યુનિવર્સિટી દ્વારા ટપાલ મારફતે મોકલવામાં આવે તે કિસ્સામાં વિદ્યાર્થી પોસ્ટ મારફતે પોતાની ડિગ્રી અને પરિણામ હાલ ક્યાં પહોંચ્યા છે તેને ટ્રેક કરી શકે છે તેવી વ્યવસ્થા વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

મોબાઈલમાંથી સાહિત્ય કબજે કરી પરત અપાયા
પરીક્ષામાં નકલ કરવા માટે વિદ્યાર્થીઓ અલગ અલગ પેતરા અજમાવતા હોય છે.જેમાં મુખ્યત્વે ચિઠ્ઠીની સાથે પેડમાં લખવું, હોલ ટિકિટની પાછળ લખાણની સાથે બૂટમાં પણ નકલ છુપાવતા હોય છે. ઝડતી સ્કવોર્ડ દ્વારા જે 3 મોબાઇલ કબ્જે કરવામાં આવ્યા તેમાંથી વિષયને લગતું સાહિત્ય કબ્જે કરી મોબાઈલ વિદ્યાર્થીને પરત આપી દેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...