ભુજ શહેરના ઉત્તરીય વિસ્તારના કોડકી રોડ પાસે પ્રધાનમંત્રી અાવાસ છે. જે સ્થળે બેફામ દબાણોની ફરિયાદો મળી હતી, જેથી ભુજ નગરપાલિકાઅે શુક્રવારે પોલીસને સાથે રાખીને દબાણો તોડવાની કાર્યવાહી કરી હતી. જે સમયે દબાણકર્તાઅે અાત્મહત્યા સહિતની ધમકીઅો અાપીને તંત્ર ઉપર માનસિક દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સરકારી તંત્રઅે કોઈપણ જાતના દબાણમાં અાવ્યા વિના કાર્યવાહી ચાલુ રાખી હતી, જેથી 3 પાકા દબાણો તોડી પડાયા હતા અને હજુ વધુ 4 તોડવામાં અાવશે.
પ્રાપ્ત વિગતો મુજબ ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી જીગર પટેલ પોલીસ જાપ્તા સાથે દબાણશાખાની ટીમને લઈને શુક્રવારે કોડકી રોડ ઉપર ધસી ગયા હતા. પરંતુ, નોટિસો બાદ પણ સ્વૈચ્છાઅે ન ખસેલા દબાણકર્તાઅોઅે ચોર મચાય શોર જેવો તાલ કર્યો હતો, જેથી મુખ્ય અધિકારીઅે અેમને સમજાવતા કહ્યું હતું કે, તમને પ્રધાનમંત્રી અાવાસ યોજનામાં લાભ અપાયો છે.
અે પછી શા માટે અડચણ રૂપ દબાણો કર્યા છે. પરંતુ, દબાણકર્તાઅે મોબાઈલથી વીડિયો શુટિંગ ઉતારતા ઉતારતા કહ્યું હતું કે, માતા-પિતા અાત્મહત્યા કરવા જઈ રહ્યા છે. જોકે, અાવા સમયે અા પ્રકારના પ્રત્યાઘાતોથી ટેવાયેલા તંત્રઅે સિફતપૂર્વક પોતાની કામગીરી અાગળ ધપાવી હતી. પરંતુ, ધ્યાન ખેંચે અેવી બાબત અે હતી કે, પોલીસ કર્મચારીઅો તમાશો જોતા જોવા મળ્યા હતા!
દબાણો બાદ વેચસાટનો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે
ભુજ શહેરમાં ભુજીયાની તળેટી, શહેરની ઉત્તર દિશાના રહેણાક વિસ્તારો, ભાનુશાલીનગર પાછળ રઘુવંશીનગર ઉપરાંત રાવલવાડી સહિતના વિસ્તારોમાં સરકારી જમીન ઉપર દબાણ કર્યા બાદ લાખો રૂપિયામાં મકાનો વેચાઈ રહ્યા છે. હવે તો ત્રિમૂર્તિ મંદિરવાળા રોડ ઉપર પણ બેફામ, બેરોકટોક દબાણો થઈ રહ્યા છે, જેથી સરકારને લાખો કરોડો નહીં પણ અબજો રૂપિયાની ખોટ જઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.