કાર્યવાહી:હરામીનાળામાંથી ઝડપાયેલા 3 પાકિસ્તાની માછીમારો દયાપર પોલીસ સ્ટેશનના હવાલે

દયાપર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માછીમારો સિંધપ્રાંતના રહેવાસીઓ હોવાનું તપાસમાં સામે આવ્યું

સંવેદનશીલ હરામીનાળા વિસ્તારમાં બીએસએફની ટીમોએ સપાટો બોલાવીને ત્રણ દિવસમાં 10 પાકિસ્તાની બોટ સાથે 3 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડયા હતા.જેઓનો કબ્જો બીએસએફ દ્વારા દયાપર પોલીસને આપવામાં આવ્યો છે.

હરામીનાળામાં અટપટી ક્રિક વિસ્તારમાંથી પિલલર નંબર 1164 થી 1165 ની વચ્ચે બીએસએફની ટીમે પાકિસ્તાની બોટને ઝડપી લીધા બાદ સઘન સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારે ગુરુવારે વહેલી સવારે 2 અને શુક્રવારે એક પાકિસ્તાનીને ઝડપી લેવાયો હતો.

જેમાં મીઠું જહાંગીર મલ્હાર (ઉ.વ.30),અસલમ નવાજઅલી ચઢાણી (ઉ.વ.40)રહે.બંને ઝીરો પોઈન્ટ,સિંધપ્રાંત પાકિસ્તાન તેમજ અન્ય એક શખ્સ ગુલામઅલી અલાદાદ મલાદ (ઉ.વ.26,રહે.બાજાર.સિંધપ્રાંત) વાળા હોવાનું ખુલ્યું હતું.આ ત્રણેય માછીમારો પાસેથી માછીમારીના સમાન સિવાય કશું જ શંકાસ્પદ મળ્યું નથી.

બીએસએફની પૂછપરછ બાદ શુક્રવારે મોડી રાત્રે ઘૂસણખોરોનો કબ્જો દયાપર પોલીસને સોંપવામાં આવ્યો હતો.જેઓની પૂછપરછ બાદ ભુજ જેઆઇસીમાં ધકેલી દેવામાં આવશે. બીએસએફ દ્વારા જપ્ત કરવામાં આવેલી 10 બોટમાંથી 250 કિલો માછલી,પાકિસ્તાન ચલણના રૂ.50 સહિત આઇસબોક્ષ,ફિશિંગબેટ,એન્કર, રાશન,કપડા સહિતનો સમાન મળી આવ્યો હતો.

બીજીતરફ BSFના સંવેદનશીલ વિસ્તારમાં ઓડીશાનો શખ્સ મળી આવતા કબ્જો પોલીસને અપાયો
પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાવવાના કિસ્સા વચ્ચે પ્રતિબંધિત વિસ્તારમાંથી એક શખ્સ મળી આવતા બીએસએફ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવતા તેનું નામ મોહમ્મદ રૂસતમ હોવાનું તે ઓડીશાનો હોવાનું સામે આવ્યું હતું.આ શખ્સે પોતે એસી રીપેરીંગ કરતો હોવાનું જણાવતા બીએસએફને શંકા ગઈ અને પછી પૂછપરછ કરીને દયાપર પોલીસને સોંપવામાં આવ્યો હતો.દયાપર પીએસઆઇ અંકુશ ગેહલોતે જણાવ્યું કે,આ શખ્સ ભારતીય છે અને તેની પાસેથી કંઈ વાંધાજનક મળી આવ્યું નથી હાલ તેના પરિવારને જાણ કરવામાં આવતા તેઓ કબ્જો લેવા આવવાના છે.ખરાઈ કર્યા બાદ પરિવારને સોંપી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...