વિષમ આબોહવા અને વિકટ પરિસ્થિતિ વચ્ચે ભારત પાકિસ્તાનની કચ્છ સરહદે પ્રખર તાપ હોય કે કાતિલ ઠંડીમાં દિવસ રાત ફરજ બજાવતા સીમા સુરક્ષા દળના જવાનો માટે આગામી એક મહિનામાં તમામ બોર્ડર આઉટ પોસ્ટની જરૂરિયાત પૂર્ણ કરી શકે તેટલી ક્ષમતાનો શુદ્ધ પેયજળ બનાવતો પ્લાન્ટ એક મહિનામાં કાર્યરત થશે. એક વર્ષથી એક લાખ લીટર શુદ્ધ પાણી આપતો આર.ઓ.પ્લાન્ટ કાર્યરત છે, તેની સાથે વધુ બે શરૂ થતાં દૈનિક 3 લાખ લીટર શુદ્ધ પાણી મળતું થશે.
ભારત પાકિસ્તાન વચ્ચેની કચ્છની સરહદ કે જે દરિયો, દલદલ અને રણમાંથી પસાર થાય છે. અને દોઢસો કિલોમીટર સુધી ગામ જોવા નથી મળતું તેવા દુર્ગમ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગે સૈનિકો માટે ખાનગી કંપનીના સહયોગથી પાણી ફિલ્ટરના બે પ્લાન્ટ આવતા મહિનાથી શરૂ કરશે. આ અંગે માહિતી આપતા કાર્યપાલક ઈજનેર દિનેશભાઈ રામાનુજે જણાવ્યું કે, 35 વર્ષ અગાઉ આ વિસ્તારમાં વિઘાકોટ સુધી પાઇપલાઇન પાથરી છે. યુદ્ધ જેવા સંજોગોમાં જ પાણી સપ્લાય કરવાનું હોય છે. આ પાઇપનું મરંમત સીમા સુરક્ષા દળે કરવાનું હોય છે. જરૂરિયાત સીમિત હોવાથી બિનઉપયોગી બની છે.
એક વર્ષ અગાઉ ગેંડા પોસ્ટ પર બોર કરવામાં આવતા પુષ્કળ પાણી નીકળ્યું. પરંતુ 10 હજાર ટીડીએસ હોતા પીવાલાયક નહોતું. માટે ગત વર્ષે આ ચોકી પર ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો. હાલ જે કામ પૂર્ણતા તરફ છે, તે પીલર 1067 ખારદોઈ અને 1076 સંદીપ પર એક એક લાખ લીટર પ્રતિદિનની ક્ષમતાના આર.ઓ. ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર દ્વારા અપાશે, જે શરૂ થતાં અહી ફરજ બજાવતા એક હજાર જેટલા સૈનિકોને શુધ્ધ પેયજળ મળશે. હાલ ધર્મશાળા સુધી નર્મદાનું પીવાનું પાણી આવે છે. ત્યાંથી અંતિમ છેડા સુધી પાણી લઈ જવું હોય તો 60 થી 90 કિમી સુધી ટેન્કર દ્વારા પહોંચાડવું પડે. જ્યારે આ 3 લાખ લીટર દરરોજ પાણી સરહદ પર જ ઉપલબ્ધ બનતા ખર્ચ બચશે.
દરિયાની ખારી જમીનમાં દસ હજાર ટીડીએસવાળુ પાણી મળવું ચમત્કાર
કચ્છની સરહદે મોટે ભાગે દરિયો છે. તો ક્યાંક ખારા પાણીનું દલદલ. જે જમીન છે તે પણ ખારાશયુક્ત છે. આ જમીન નીચેનું પાણી સામાન્ય રીતે 35 હજાર ટીડીએસવાળુ હોય છે. જે દરિયાનું પાણી જ કહી શકાય. સરહદે ફેંસિંગ છે તે બીઓપી પર પાકિસ્તાનની જમીન પર બાવળ દેખાતા ભારત સીમા ક્ષેત્રમાં બોર કરતા દસ હજાર ટીડીએસવાળુ પાણી મળ્યું. જેને ફિલ્ટર દ્વારા શુદ્ધ કરી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.