પ્રકાશ ભટ્ટ
ધરતીકંપની સતત સંભાવના ધરાવતા ભૂકંપ સંભવિત ક્ષેત્રના ઝોન 5માં સમાવાતા ભુજ માટે બાંધકામના કડક નિયમો અમલમાં મુકાયા. ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ દ્વારા ચાર રિલોકેશન સાઇટ વિકસાવવામાં આવી જેમાં રહેણાંક અને દુકાનો બનાવવા આયોજન કરાયું.
2005માં ત્રણ રિલોકેશન સાઈટ પર ભૂકંપમાં અસરગ્રસ્ત વેપારીઓને સ્થાયી કરવા વાણિજ્ય સંકુલ બનાવવામાં આવ્યા. રાવલવાડી, મુન્દ્રા અને આરટીઓ રિલોકેશન કોમર્શિયલ કોમ્પ્લેક્સની ત્રીજી વખત ગત વર્ષે હરાજી કરવામાં આવી. રાવલવાડી સાઇટ 123 માંથી 64 દુકાન, મુન્દ્રા સાઈટ 51 માંથી 4 દુકાન, આરટીઓ રિલોકેશન 161 માંથી માત્ર 1 દુકાન એમ કુલ 335 માંથી 69 જ વેંચાઈ. બાકીની 266 દુકાનો ભાડાપટ્ટે આપવા સત્તામંડળ વિચારી રહી છે.
હેતુ અપૂર્ણ ; ભૂકંપગ્રસ્ત વેપારીઓ માટે બનાવાઇ હતી દુકાનો
મુન્દ્રા રિલોકેશનની દુકાન બેંકને ભાડે અપાશે
મુન્દ્રા રીલોકેશનની 55 દુકાનમાંથી માત્ર ચાર જ દુકાન લીઝ પર વેંચાતા તેમજ હવે પછીના પ્રયાસમાં પણ કેટલી વેચાશે તે અસ્પષ્ટ હોતા ભાડે આપવાની વિચારણા થઈ રહી છે. બેન્ક ઓફ બરોડા તરફથી ભાડે મેળવવા રજૂઆત આવી છે તે સંદર્ભે ભાડા કરાર આધારિત ભાડા પટ્ટે આપી શકે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ આ સાઈટની અંદર બાજુથી દુકાનો કોઈ સરકારી કે સ્થાનિક સ્વરાજ્યની વોર્ડ ઓફિસ બને તે જ કામોમાં આવી શકે એવી છે.
વેચાણમાં વિઘ્નનું મુખ્ય કારણ ‘વ્હાઇટની એન્ટ્રી'
માર્કેટમાંથી ખરીદવામાં આવતી મિલકતની બજાર કિંમત અને જંત્રીના ભાવ વચ્ચે ઘણો તફાવત હોવાથી ખરીદેલી મિલકતના દસ્તાવેજ બનાવતી વખતે ઓછી કિંમત એટલે કે જંત્રીની કિંમત જ આંકવામાં આવે છે. પરંતુ સરકાર દ્વારા વેચાણમાં મુકેલી મિલકતની સો ટકા કિંમતના દસ્તાવેજ બને છે. જે સંપૂર્ણ વ્હાઇટની એન્ટ્રી હોવાથી તેને લાખોની રકમ ચોપડે બતાવવી મુશ્કેલ પડે છે.
વધુ પડતી મોટી દુકાન અને હોલ રહી ગયા
ત્રણેય રિલોકેશન સાઈટ પર 30 મીટર સુધીની દુકાનોનું વેચાણ થયું અથવા પૂછતાછ થઈ પરંતુ 30 મીટરથી ઉપરના મોટી દુકાનો અને હોલ હતા તેની વેંચાણ માટેની તળિયાની કિંમત પણ લાખોમાં જતી હોવાથી તે વેંચાયા વગરના રહી ગયા.50 મીટરથી વધુ મોટી દુકાન કે હોલની કિંમત લાખો રૂપિયામાં આલેખાય, જે કાયદેસરની રકમ બતાવવી મુશ્કેલ પડે છે.
ભાડાએ માત્ર માલિકી હક્ક જ દર્શાવ્યો
કોઈપણ જગ્યાએ નિયત સંખ્યાથી વધુ રહેણાંક અથવા દુકાનો હોય તો તેની સોસાયટી બને છે અને તેના દ્વારા ચોક્કસ ફંડ ઊભું કરવામાં આવે છે. આ ફંડમાંથી સફાઈ અને જાળવણીના અન્ય ખર્ચા કરવામાં આવે છે. જેથી લાંબા સમય સુધી આ સમગ્ર સંકુલ સ્વચ્છ અને સારી રીતે સાચવી શકાય છે. ભુજની ત્રણેય રિલોકેશનની દુકાનો પબ્લિક પાર્ટનરશીપ પ્રોજેક્ટ અંતર્ગત નિર્મિત થઈ જે કરાર મુજબ 50 ટકા દુકાન બાંધકામ કરી આપનાર એજન્સીની અને 50% ભાડાની. બાંધકામ કરનાર ખાનગી કોન્ટ્રાકટર દ્વારા મોટાભાગની દુકાનો સગવડતા મુજબ વેચી નાખી જ્યારે ભાડાએ સરકારના નિયમ મુજબ હરરાજી કરીને વેંચવાનો પ્રયાસ કરતા મોટાભાગની રહી ગઇ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.