અંજાર શહેરના ચિત્રકુટ સર્કલ પાસે ગાડીને ઓવરટેક કરી અજાણ્યા ઈસમોએ યુવાનની હત્યાનો પ્રયાસ કરી 2.60 લાખ લૂંટી લીધા હોવાનો ચકચારી બનાવ બન્યો છે.જેમાં શબ્બીર અને અજાણ્યા માણસો સામે ફરિયાદ થઈ છે.
મેઘપર કુંભારડીના રવેચી નગરમાં રહેતા સુભાષભાઈ જેતાભાઈ ગુજરીયા (આહિર)એ અંજાર પોલીસમાં જણાવ્યું કે, તેઓ મિત્ર યશપાલસિંહ જાડેજા સાથે ગાડી લઈને અંજાર તરફ આવ્યા ત્યારે એક વરના ગાડીના ચાલકે પીછો કરીને ચિત્રકૂટ પાસે ગાડી ઓવરટેક કરી હતી.આ વરનામાંથી એક માણસ ઉતર્યો અને ગાડી ઉભો રાખવા ઈશારો કરતા ફરિયાદીએ પોતાની ગાડી ઉભી રાખી હતી ત્યારે એક જણાએ પથ્થર માર્યો હતો.
આ દરમિયાન ત્રણ-ચાર બાઈકમાં અજાણ્યા ઇસમો આવ્યા અને તેમાંના એક માણસના હાથમાં ધારિયુ હતું વરના ગાડીમાંથી ઉતરેલા માણસો પાસે ચપ્પુ હતું આરોપીએ ફરિયાદીને ગાડીમાંથી ખેંચીને માર મારવાનું શરૂ કર્યું હતું ફરિયાદી કઈ સમજે એ પહેલા જ આરોપીઓ હથિયારો સાથે તૂટી પડયા હતા જેથી ગંભીર પ્રકારની ઇજાઓ થવા પામી હતી. મારામારીને પગલે આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપીઓ નાસી ગયા હતા.
દરમિયાન જતા જતા શબ્બીર નામના વ્યક્તિએ ધમકી આપી હતી કે,તારા ભાઈને પણ આ જ રીતે મારીશું.આ દરમિયાન ગાડીમાં રહેલો સેમસંગ કંપનીનો મોબાઇલ અને રોકડા રૂપિયા બે લાખ ૬૦ હજાર જોવા મળ્યા નહીં જેથી સારવાર લઈ પોલીસમાં હત્યાના પ્રયાસ અને ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.શબ્બીર અને વરના તેમજ ત્રણ ચાર બાઇકમાં આવેલા ઈસમો સામે ફરિયાદ થયા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુરુવારે ભાઇ સાથે કાર રિપેરિંગના ખર્ચ બાબતે થયો ‘તો ડખો
ગુરુવારે પણ મેઘપર બોરીચીમાં કારના શો રૂમમાં ડખો થયો હતો જેમાં ફરિયાદિ સુભાષના ભાઇ શો રૂમના સુપરવાઇઝર રણધીરભાઈ જેતાભાઈ આહિરે શબ્બીર સહિતના ઈસમો સામે ફરિયાદ લખાવી હતી.કાર રીપેરીંગનો ખર્ચ ચૂકવવો પડશે તેવું કહેતા મારામારી થઈ હતી.જેની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાનું પણ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.