રગ રગમાં દેશભક્તિ:પોસ્ટ ઓફિસમાં 25 હજાર રાષ્ટ્રધ્વજ આવ્યા ભેગા વેચાઈ ગયા; છૂટક કરતા જથ્થાબંધનું વેચાણ વધુ

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા 35 હજાર ઝંડાની માંગ

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘હર ઘર ત્રિરંગા’ દ્વારા દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમનો જુવાળ ઊભો થાય તેવી કોશિશ વડાપ્રધાને કરી છે. તારીખ 13 થી 15 ઓગષ્ટ ઘર, ઓફિસ, કારખાના, સંસ્થા, સરકારી - ખાનગી કચેરી વગેરે જગ્યાએ તિરંગો લગાવવા આહ્વાન કર્યું છે. જેને પરિણામે ખૂબ માંગ વધી છે. સરકારી તંત્ર પણ ટાર્ગેટ પૂર્ણ કરવા આયોજન કરે છે. ભુજની વડી પોસ્ટ ઓફિસમાં શુક્રવારે 25 હજાર ઝંડા આવ્યા હતા, જે ચપોચપ વેંચાઇ ગયા હતા. તો અનેકઘણા ઓર્ડર આવ્યા હતા.

લોકોમાં ઉત્સાહ જોતા રાષ્ટ્ર ધ્વજના ઉત્પાદન કરતા માંગ વધી જશે તે હકીકત છે. ભુજ સ્થિત જિલ્લા મધ્યસ્થ ટપાલ કચેરીએ સવારથી ખરીદી માટે પૃચ્છા કરવા આવતા હતા, જેમાંથી મોટેભાગે એકલ-દોકલ લેવાને બદલે પચાસ થી બે પાંચ હજાર નંગ એકસાથે ખરીદવા દેખાતા હતા. તો કચ્છ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા સમસ્ત શિક્ષક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ માટે અનુક્રમે એકવીસ હજાર અને ચૌદ હજાર એમ પાંત્રીસ હજાર ધ્વજની માંગણી કરી હતી.

તો ગુજરાત માર્ગ અને વાહન વ્યવહાર વિભાગમાંથી પણ સ્ટાફ માટે સો નંગ માંગ્યા હતા. એવી જ રીતે સીમા સુરક્ષા એજન્સી દ્વારા પણ ત્રિરંગા ઉપલબ્ધ થશે કે નહીં તે અંગે માહિતી મેળવી હતી. જો કે, પોસ્ટ માસ્ટર અનિલ વ્યાસે જણાવ્યું હતું, આજે વધુ ત્રીસ હજાર નંગ આવશે. નગર પાલિકા દ્વારા પણ માંગવામાં આવ્યા છે.

કાયમી વેંચાણ કરતા ખાદી ભંડારમાં પણ સ્ટોક પૂરો : આજે નવો આવશે
સ્વાતંત્ર દિન અને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે ત્યારે ખાસ ત્રિરંગાનું વેંચાણ થાય પરંતુ ખાદી ભંડારમાં બારે મહિના કોઈને કોઈ કારણસર વેંચાણ થાય છે. જો કે આ બંને રાષ્ટ્રીય પર્વના દિવસો દરમ્યાન વધુ વેંચાણ થાય છે. આ વર્ષે વડા પ્રધાનના આહ્વાનના પગલે ભુજમાં આ સ્થળે પણ સમયથી પહેલા જ સ્ટોક પૂરો થઈ ગયો છે. માંગને ધ્યાને રાખીને આજે નવો સ્ટોક આવશે તેવું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...