આદેશ:SBIને વળતર સાથે 24000 ચૂકવવા ફોરમે આદેશ કર્યો

આદિપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિપુરમાં ATM માંથી રૂપિયા ન નીકળ્યા, બેલેન્સ કપાયું

સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયાની ગ્રાહકલક્ષી સેવા બાબતે અવારનવાર ફરિયાદ ઉઠતી રહી છે. ત્યારે આદિપુરના એક વરિષ્ઠ નાગરિક દ્વારા ATM માંથી 14 હજાર રૂપિયા ન નીકળ્યા બાદ પણ બેલેન્સ માંથી કપાઈ જવાના કેસમાં જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે સ્ટેટ બેંકને રૂ.10 હજાર વળતર અને અરજી ખર્ચ સાથે અરજદારને 14000 રૂપિયા પરત કરવાનો આદેશ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આદિપુરના રહેવાસી મોહમ્મદ મોહ્યુદ્દીન અંસારી એ જાન્યુઆરી 2019ના એસ.બી.આઇ.ના ATM માંથી રૂ.14000 કાઢવા પ્રોસેસ કરી હતી. પરંતુ એટીએમ માંથી રૂપિયા નીકળ્યા નહોતા છતાં તેમના એકાઉન્ટ બેલેન્સમાંથી આ રકમ કપાઈ ગઇ હતી. આ અંગે બેંકની હેલ્પલાઇનમાં અને આદિપુર તેમજ ગાંધીધામ બેંકની બ્રાન્ચમાં ફરિયાદ કરાઈ હતી, પરંતુ તેમની વાત યોગ્ય સાંભળ્યા વિના જ ફરિયાદ રદ્દ કરી દેવાઈ હતી. થોડો સમય વારંવાર રજૂઆત બાદ પણ કોઈ હકારાત્મક પ્રતિક્રિયા ન આવતા અંસારીએ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ અરજી દાખલ કરી હતી.

ફોરમમાં અરજદાર વતી તેમના દીકરાને આપેલ ઓથોરિટી સ્વીકારવામાં આવી, અને અરજદાર ના દીકરા નેહાલ અહમદ અંસારી એ એક જાગૃત નાગરિક તરીકે ધારદાર પુરાવા અને દલીલો રજૂ કરેલ. ફોરમના ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યા મુજબ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને રૂ.10 હજાર વળતર અને અરજી ખર્ચ સાથે ગ્રાહકના અટવાયેલા 14 હજાર ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે .

કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમ ના આ ધાક બેસાડતા ચુકાદાને સ્ટેટ બેંક એક સબબ ગણી બેંકની સેવાકીય ખામીઓ, બેદરકારી પૂર્વક વલણ અને પ્રથા સુધારવાની એક નિવારક કાર્યવાહી તરીકે યોગ્ય કાર્ય કરે તેવી તમામ જાગૃત નાગરિકો ની આશા છે. નોંધવું રહ્યું કે, આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામાન્ય લોકો સામનો કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...