મન્ડે પોઝિટિવ:ભુજની કારીગર શાળામાં અભ્યાસ કરી 225 વિદ્યાર્થીઓ થયા પગભર

ભુજ15 દિવસ પહેલાલેખક: ચંદ્રસી મહેશ્વરી
  • કૉપી લિંક
  • 11 વર્ષથી વિનામૂલ્યે અક્ષરજ્ઞાન સાથે છાત્રોની રૂચિ મુજબ કરાતો કાૈશલ્ય વિકાસ { વિદ્યાર્થીઅો માટે છાત્રાલયની સુવિધા
  • સુથારીકામ, કડિયાકામનો તાલીમબધ્ધ અેકથી દોઢ વર્ષનો કોર્ષ { વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા કૌશલ્ય વિકાસ માટે ગુરૂ-શિષ્ય પરંપરા મુજબ અપાતું શિક્ષણ

ભુજની કારીગર શાળા ટ્રસ્ટ દ્વારા શિક્ષણને પાયામાં લઇને 15 વર્ષથી ઉપરના છાત્રો કે, જેમને લખતા-વાંચતા અાવડતું હોય અને હાથથી કામ કરવામાં રૂચિ દાખવતા હોય તેવા છાત્રોને શિક્ષણની સાથે કાૈશલ્ય વિકાસ કરાય છે,જેમાં કારીગરો, કલાવિંદો, અાર્કિટેક્ટ, અેન્જિનિયરો પરંપરાગત બાંધકામ શીખવવા, વૈજ્ઞાનિક રીતે મૂલવવા કટીબધ્ધ છે. અા શાળામાં 11 વર્ષમાં 225 છાત્રો અભ્યાસ પૂર્ણ કરી પગભર થયા છે. જે છાત્રોઅે અધવચ્ચે શિક્ષણ છોડી મૂક્યું હોય તેવા છાત્રોને તેમની રૂચિ મુજબ વિનામૂલ્યે શિક્ષણ અપાય છે.

શાળામાં સુથારીકામ, કડિયાકામનો તાલીમબધ્ધ અેકથી દોઢ વર્ષનો અભ્યાસક્રમ ચાલી રહ્યો છે,જેને ત્રણ સેમેસ્ટરમાં વહેંચવામાં અાવ્યો છે, જેમાં પ્રથમ છ મહિના બેઝ કોર્ષ, બીજા છ મહિના અેડવાન્સ કોર્ષ અને ત્રીજા છ મહિનામાં માસ્ટર્સ કોર્ષનો સમાવેશ થાય છે. છાત્રોને વિનામૂલ્યે ભોજનની સુવિધા સાથે શિક્ષણ અપાય છે અને બહારગામના છાત્રો માટે વિનામૂલ્યે છાત્રાલયની સુવિધા ઉભી કરાઇ છે અને ગુરૂ-શિષ્ય પરંપરાથી શિક્ષણ અપાય છે. અત્યાર સુધી 225 છાત્રો અભ્યાસ પૂર્ણ કરી પગભર થયા છે.

કિરણભાઇ વાઘેલા, રમેશભાઇ સંઘવી, કિરણભાઇ સુથાર, પુનિતભાઇ સોની સહિતના મેન્ટોર શાળાના ઉદેશ્યને સાર્થક કરવા તત્પર રહે છે. કો-અોર્ડિનેટર અતુલભાઇ વ્યાસ તેમજ શિક્ષક સુનીલભાઇ યોગદાન અાપી રહ્યા છે. દર વર્ષે જુન મહિનાની 15મી તારીખથી નવું સત્ર શરૂ થાય છે. પ્રવેશ મેળવવા ઇચ્છુકોઅે કારીગર શાળા ટ્રસ્ટ, મહાદેવનગર, ગાયત્રી રેસીડેન્સી પ્લોટ નં.79,84, ભુજ-મિરજાપર હાઇવે, નુરાની અાર્યન વાળો રીંગરોડ, ભુજનો સંપર્ક કરવા જણાવાયું છે.

શિક્ષણની સાથે વિવિધ વિષયોનું અપાતું જ્ઞાન
અા શાળામાં સુથારીકામ, કડિયાકામના અેકથી દોઢ વર્ષના કોર્ષ ઉપરાંત દરેક કોર્ષમાં બેઝ કોર્ષ તરીકે પ્લમ્બીંગ, ઇલેક્ટ્રીકની પ્રાથમિક સમજ અપાય છે, જેમાં ગણિત, મટેરીયલ સાયન્સ, ડ્રોઇંગ, કોસ્ટીંગ, અેન્જિનિયરીંગ ડ્રોઇંગ, સ્ટુડિયો વર્કશોપ, વ્યાપારીક ધંધાકીય સમજ, જીવન વિદ્યા, અાર્ટ, ક્રાફ્ટ વર્ક વગેરે વિષયોનો અભ્યાસ સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી કરાવાય છે.

કારીગર શાળામાં સુથારીકામ શીખી હવે લોકોને આપુ છું શિક્ષણ
હું ભુજની કારીગર શાળામાં 2018-19માં સુથારી કામ શીખ્યો છું હવે અા જ સંસ્થામાં શિક્ષક તરીકે ફરજ બજાવીને અહીં અાવતા છાત્રોને સુથારી કામ શીખવું છું. સંસ્થા દ્વારા મને માસિક રૂ.12,000 પગાર અપાય છે. અહીં અાવતા તરૂણોને તેમની રૂચિ મુજબ શિક્ષણ સાથે જુદા-જુદા વ્યવસાયોનું જ્ઞાન અપાય છે. -રવિ દેવરિયા, ભુજ, શિક્ષક

સ્વતંત્ર રીતે સુથારી કામ કરી રોજના 800થી 1000 કમાવી લઉં છું
હું મૂળ અબડાસા તાલુકાનો છું અને 6 વર્ષ પહેલા કારીગર શાળામાંથી સુથારી કામ શીખ્યો છું. કારીગર શાળામાં શિક્ષણ સાથે, રહેવા, ભોજન સહિતની સુવિધા વિનામૂલ્યે અપાઇ હતી. વધુમાં સ્ટાઇપેન્ડ પણ અપાય છે. હાલે હું સ્વતંત્ર રીતે સુથારી કામ કરું છું અને દરરોજના રૂ.800થી 1000 કમાવી લઉં છું. -ભાવેશ ઉમરાણિયા, મિરજાપર

હુન્નરશાળા થકી પોતાની રીતે કામ કરી મહિને 25થી 30 હજારની કમાણી
હું ભુજ તાલુકાના માનકુવાનો વતની છું અને 2014-16માં કારીગર શાળામાં સુથારી કામ શીખ્યો છું. ત્યારબાદ મેં કારીગર શાળામાં જ અન્ય છાત્રોને અા કામ શીખવ્યું હતું અને હાલે હુન્નશાળા થકી જ નાગપુર, વાપી, પુના સહિતના સ્થળોઅે પોતાની રીતે સુથારી કામ કરું છું અને મહિને 25થી 30 હજાર કમાવી લઉં છું. -વસંત મહેશ્વરી, માનકુવા

અભ્યાસ પૂર્ણ થયા બાદ દરેક છાત્ર 5થી 10 લોકોને અાપે છે રોજગારી : કારીગર શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મોટાભાગના છાત્રો પોતાની રીતે નાના-મોટા કામો લેતા થયા છે અને પોતાની સાથે 5થી 10 લોકોને રોજગારી અાપી રહ્યા છે. અમુક છાત્રો પોતાની રીતે તો અમુક કંપનીની સાથે કામ કરી રહ્યા છે તો અમુક છાત્રો વિદેશમાં કામ કરતા થયા છે.

અન્ય સમાચારો પણ છે...