કચ્છ રાજ્યનો પાવર સ્ટેશન છે. કોલસા આધારીત વીજળીનો અંદાજે 40થી 50 ટકા હિસ્સો કચ્છમાં ઉત્પન્ન થાય છે. પરંતુ હવે પવન અને સૌર ઊર્જામાં પણ ન બલકે ગુજરાત પરંતુ ભારતમાં પણ કચ્છ અગ્રણી જિલ્લો છે. વિઘાકોટ સરહદ પાસે દુનિયાનો સૌથી મોટો હાઇબ્રિડ વિન્ડ અને સોલાર પાર્કનું નિર્માણ ચાલી રહ્યું છે.
દેશમાં પસંદ કરાયેલા 20 હાઇબ્રિડ પાર્કમાંથી એકલા કચ્છમાં 4 સ્થળો પસંદ કરાયા હોવાની માહિતી તાજેતરમાં લોકસભામાં આપવામાં આવી હતી. આ ચાર સ્થળોમાં કચ્છમાં પવન ઊર્જા થકી 11745 મેગાવોટ અને સૌર ઊર્જા થકી 10325 મેગા વોટ વીજળી પેદા થવાની સંભાવનાઓ આંકવામાં આવી છે. જે દેશમાં જિલ્લાની દ્રષ્ટીએ સૌથી વધારે છે.
કચ્છના 4 પાર્કમાં પવન ઊર્જા ક્ષમતા 11475 આંકવામાં આવી
નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા દેશમાં સંભવિત 20 પવન અને સૌર પાર્કની પસંદગી કરી છે. જેમાં તામિલનાડુમાં 4, કર્ણાટકમાં 5, ગુજરાતમાં જૂનાગઢ અને પોરંબર તથા કચ્છના 4 સહિત 5, રાજસ્થાનના 2, મધ્યપ્રદેશમાં 1, તેલંગણાના બે તથા આંધ્રપ્રદેશના 1 સ્થળનો સમાવેશ થાય છે. આમ દેશના 20 પાર્કમાંથી એકલા કચ્છમાં 4નો સમાવેશ થાય છે. આ 20 સંભવિત હાઇબ્રિડ પાર્કમાં પવન ઊર્જા થકી અંદાજિત 53,125 મેગાવોટની ક્ષમતા આંકવામાં આવી છે. તો કચ્છના 4 પાર્કમાં પવન ઊર્જા ક્ષમતા 11475 આંકવામાં આવી છે.
દેશમાં કુલ 57 સોલારપાર્ક પણ પસંદ કરાયા
આમ દેશના હાઇબ્રિડ પાર્કની કુલ ક્ષમતામાંથી એકલા કચ્છમાં 22.10 ટકા અક્ષય ઊર્જા ઉત્પન થાય તેમ છે. કચ્છમાં સ્થાપિત થનારા ચાર પાર્કમાંથી એક 771 વર્ગ કિમીની ક્ષમતા 3855 મેગાવોટ, અન્ય પાર્ક 680 વર્ગ કિમીની ક્ષમતા 3400 મેગાવોટ, અન્ય 590 વર્ગ કિમી પાર્કની ક્ષમતા 2950 મેગાવોટ અને ચોથા પાર્કમાં 308 વર્ગકિમીની ક્ષમતા 1540 મેગાવોટ આંકવામાં આવી છે. કચ્છના આ ચારેય સંભવિત સ્થળો પર સરેરાશ 7 મીટર પ્રતિ સેકન્ડની પવનની ગતિ હોવાનું પણ કહેવામાં આવ્યું છે. તો દેશમાં કુલ 57 સોલારપાર્ક પણ પસંદ કરાયા છે. જેમાં ગુજરાતમાં કચ્છના પાંચ સહિત સાત સ્થળો છે.
કચ્છમાં 10325 મેગાવોટની સૌર ઊર્જાની ક્ષમતા હશે
કચ્છમાં દેશનું સૌથી મોટુ 4750 મેગાવોટની ક્ષમતા ધરાવતુ એનટીપીસી સાૈર પાર્ક, 3325 મેગાવોટની ક્ષમતા ધરાવતુ ગુજરાત રાજ્ય વિદ્યુત નિગમનો પાર્ક તથા ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ.ના અનુક્રમે 600,1200 અને 450 મેગાવોટના પાર્ક બનશે. આ તમામ ખાવડા પાસેના હાઇબ્રિડ પાર્કમાં જ બનશે. દેશના 57 પાર્કની કુલ ક્ષમતા 39285ની સામે એકલા કચ્છમાં 10325 મેગાવોટની સૌર ઊર્જાની ક્ષમતા હશે. જે દેશની 26 ટકા થાય છે.
વિઘાકોટમાં 30 ગીગા વોટ વિજળી પેદા થશે
વિઘાકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ડિસેમ્બર 2020ના દુનિયાના સૈથી મોટા સોલાર-વિન્ડ પાર્કનું ભૂમિ પૂજન કર્યું હતું. જેનું કામ હાલ ચાલુ છે. આ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક 72,600 હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલું છે. જ્યારે બનીને તૈયાર થશે ત્યારે સૌર પેનલ અને વિન્ડ ટર્બાઇન બંનેમાંથી 30 ગીગાવોટ વીજળી ઉત્પન્ન કરવાની અપેક્ષા છે. જ્યારે પૂર્ણ થશે ત્યારે તે વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક હશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.